મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ
ધોળકામાં સાત મહિનાની બાળકીનો મામલો
મનીષા અને તેના પતિએ સાથે મળી છેલ્લાં બે વર્ષમાં ચાર બાળકોના અપહરણ કર્યા હતાઃ દરેક અપહરણ સમયે મનીષા તેના સાગરિતોને બદલતી હતી
અમદાવાદ,રવિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકામાં સાત મહિનાની બાળકીના અપહરણના કેસમા ગ્રામ્ય પોલીસે માસ્ટર માઇન્ડ મનીષા સોંલકી સાથે સંકળાયેલા એજન્ટો અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે અનુસંધાનમાં પોલીસે બે શકમંદોની અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. જેમાં ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં ચાલતા બાળ તસ્કરીના ગુના અંગે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેથી પોલીસ આગામી દિવસોમાં અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરીને વિવિધ દિશામાં તપાસ કરશે.
ધોળકાના કલીકુંડ વિસ્તારમાં સાત મહિનાની બાળકીનું અપહરણ કરવાના કેસમાં સંડોવાયેલી મનીષા સોંલકી, તેનો પતિ મહેશ સોંલકી, બિનલ સોંલકી, જયેશ રાઠોડ અને સિદ્ધાર્થ જગતાપ નામના આરોપીઓમાં મનીષા સોંલકી સમગ્ર કેસની માસ્ટર માઇન્ડ હોવાની સાથે તેણે અન્ય ચાર બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ અને મુંબઇમાં એજન્ટોની મદદથી વેચાણ કર્યા હતા. જેે અંગે પોલીસે મનીષાની આ કેસમાં સંડોવણીની સાથે એજન્ટોની વિગતો મેળવવા માટે અલગ અલગ ટીમ બનાવીને ટેકનીકલ ેએનાલીસીસ કરવાની સાથે તપાસ શરૂ કરી છે. જેમાં એજન્ટો અંગે અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જે અંગે ઉંડાણપૂર્વક કરીને બે શકમંદોની અટકાયત કરી છે. જેમની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલા શકમંદોની પુછપરછમાં મનીષાની માફક બાળ તસ્કરી કરતી અન્ય મહિલાઓની વિગતો મળી છે. જે અનુસંધાનમાં અન્ય રાજ્યોની પોલીસનો સંપર્ક કરીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરાશે.