૧૭ લાખની રોકડ-દાગીના સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
ધોળકામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
ફ્રુટની લારી ચલાવતા આરોપીએ ચાવી ચોરીને તિજોરીમાંથી રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ જિલ્લાના ધોળકામાં રૂપિયા ૧૯ લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ૨૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ચોરીના મુદ્દામાલ સાથે ફુટની લારી ધરાવતા વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેણે તિજોરીની ચાવીની ચોરી કરી હતી અને તક મળતા તિજોરીમાંથી રોકડ અને દાગીના લઇ લીધા હતા.
ધોળકામાં ગેરેજ ધરાવતા ફિરોજભાઇ રાધનપુરીના ગેરેજની તિજોરીમાં ૧૯ લાખની રોકડ અને સોનાના દાગીના સહિત ૨૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કોઇએ તિજોરીની ચાવીની ચોરી કરી હતી અને તક મળતા તિજોરીમાંથી રોકડની ચોરી કરી હતી. આ અંગે એલસીબીએ તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફુટેજ અને કેટલાંક શકમંદોની પુછપરછ કરી હતી. આ દરમિયાન ગેરેજની બાજુમાં ફ્રુટની લારી ધરાવતા ઉમરફારૂક મનસુરીની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો. તેણે કબુલ્યુ હતુ કે તેણે ફિરોજભાઇના ગેરેજમાં જઇને ચાવીની ચોરી કરી હતી અને રાતના સમયે તિજોરીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. ત્યારબાદ પોલીસને શંકા ન જાય તે માટે બીજા દિવસે ફ્રુટનું વેચાણ કરવા આવી ગયા હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.