અમદાવાદમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કૌભાંડ : ડૉક્ટરની ધરપકડ, ગેસ્ટ હાઉસ સંચાલક પણ ઝબ્બે
Pregnancy Test scam : જિલ્લાના બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે ગર્ભપાત મામલે પોલીસે મહિલા આરોપી સાથે સંકળાયેલા ડૉ.હર્ષદ આચાર્ય અને પનામા ગેસ્ટ હાઉસના માલિત ચેતન પટેલની ધરપકડ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓઢવમાં હોસ્પિટલ ધરાવતા ડૉ. હર્ષદ આચાર્ય અને નર્સ હેમલતા છેલ્લાં બે વર્ષથી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા અને ગર્ભપાત કરવા માટે 15 હજાર રૂપિયા વસુલતા હતા. આ ઉપરાંત, ગર્ભપાત માટેની દવા મોટાપ્રમાણમાં લાવવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
15 હજાર રૂપિયામાં ગેસ્ટહાઉસની રૂમમાં ગર્ભપાતનું ‘ઓપરેશન થતું
બાવળામાં આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં મહિલાઓને લાવીને ગર્ભપાત કરાવવાના કૌભાંડમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીની કાર્યવાહી કરીને હેમલતા દરજી ( શાંતીનગર સોસાયટી, કલીકુંડ, ધોળકા) સહિત અન્ય બે મહિલાઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં હેમલતાની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે સોનીની ચાલી ઓઢવમાં આર્શાવાદ હોસ્પિટલ ધરાવતા ડૉ.હર્ષદ આચાર્ય સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતી હતી. તે મહિલાઓને ગર્ભ પરીક્ષણ માટે હર્ષદ આચાર્યની હોસ્પિટલમાં લાવતી હતી.
જ્યાં પરિક્ષણ દરમિયાન બાળકી હોવાનું જાણવા મળે તો મહિલા પાસેથી 15 થી 25 હજાર સુધીની રકમ નક્કી કરીને તેને પનામા ગેસ્ટ હાઉસમાં લાવતી હતી. જ્યાં ગેસ્ટ હાઉસનો માલિક ચેતન પટેલ ખાસ રૂમ રાખતો હતો અને તે રૂમમાં જ હેમલતા મહિલાનો ગર્ભપાત કરતી હતી. ઓપરેશન બાદ મહિલાને થોડા કલાક સુધી તે રૂમમાં જ આરામ કરાવીને દવા આપીને મોકલી આપવામાં આવતી હતી. મહિલા દર્દી પાસેથી આવતી રકમમાંથી તે અડધી રકમ હર્ષદ આચાર્યને આપતી હતી. જ્યારે ગેસ્ટ હાઉસના રૂમનો ખર્ચ તેમજ એક્સ્ટ્રા નાણાં મહિલા પાસેથી લેવામાં આવતા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું કે હર્ષદ આચાર્ય અને હેમલતા દરજી છેલ્લાં 15 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા. તે સમયે બ્રીંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા. હર્ષદ આચાર્ય એમ ડી રેડિયોલોજીસ્ટની ડીગ્રી ધરાવે છે. આ કેસમાં હર્ષદ આચાર્ય અને પનામા ગેસ્ટ હાઉસના માલિક ચેતન પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.