Gujarat

શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા

By GS TEAM
6 Dec 20251 min read
શેરબજારમાં દશ ગણા વળતરની લાલચમાં વેપારીએ ૭૦ લાખ ગુમાવ્યા

અમદાવાદ,શનિવાર

શહેર બોપલ-ઘુમામાં રહેતા વેપારીને વિશ્વાસમાં લઇને સેબી પ્રમાણિત કંપની દ્વારા રોકાણ કરાવીને સારા વળતરની લાલચ આપીને ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલમાં નોંધવામાં આવી છે.

શહેરના બોપલ ઘુમામાં રહેતા મહાવીર જૈન ઇલેટ્રોનીક્સનો હોલસેલ વ્યવસાય કરે છે. ગત જુલાઇ મહિનામાં અજાણ્યા મોબાઇલ નંબરથી  વિનોદ શર્મા નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. એક જાણીતી શેર ટ્રેડીંગ કંપનીના કર્મચારી તરીકે વાત કરીને કહ્યું હતું કે તેમની સેબી પ્રમાણિત કંપની શેરબજારમાં રોકાણની ટીપ આપે છે. જેમાં ઓફલાઇન ટ્રેડીંગ પર દશ ગણા વળતરની લાલચ આપી હતી. તેમને કોઇપણ કંપનીના ૧૦૦ જેટલા શેર ખરીદવાના બદલામાં કમિશન ન હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વોટ્સએપ પર રોકાણની સામે મોટો નફો હોય તેવુ સ્ટેટમેન્ટ મોકલવામાં આવતું હતું.

આમ  મહાવીરે જૈને  ૮ ઓગસ્ટથી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન કુલ  ૭૦ લાખ રૂપિયા જેટલી રકમ ડીપોઝીટ કરી હતી. પરંતુ, ત્યારબાદ નફો મેળવવા માટે અલગ અલગ પ્રોસેસીંગ ફી બતાવીને તેમજ શેરબજારમં નુકશાનનો ડર બતાવીને વધુ નાણાં માંગતા મહાવીરને શકા ગઇ હતી. જેથી તપાસ કરતા તેને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાની જાણ થઇ હતી.  વેપારીના છેતરપિંડીના નાણાં  ઘોડાસર અને ગુજરાતની અન્ય બ્રાંચમાં જમા થયા હતા. જ્યારે કેટલાંક નાણાં આંગડીયા પેઢીની ઉંઝા, ઇડર અને પાલનપુરની બ્રાંચમાં મોકલાયા હોવાથી આ કેસમાં ગુજરાતની સ્થાનિક ગેંગની સંડોવણી પણ સામે આવી છે.