Gujarat

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ રેલવે મંડળના આરપીએફ (RPF) જવાનોએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલવે સુરક્ષા દળ દ્વારા ચલાવવામાં આવતા 'ઓપરેશન જીવન રક્ષા' અંતર્ગત, ચાલુ ટ્રેને ચઢવા જતા જીવલેણ અકસ્માતનો ભોગ બનનાર એક મુસાફરને જવાનોએ મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં RPF જવાનોની સતર્કતાએ ટ્રેન નીચે કચડાતા બચ્યો મુસાફર, ઘટનાના CCTV સામે આવ્યા

Ahmedabad News: અમદાવાદ રેલવે મંડળના આરપીએફ (RPF) જવાનોએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રેલવે સુરક્ષા દળ દ્વારા ચલાવવામાં આવતા 'ઓપરેશન જીવન રક્ષા' અંતર્ગત, ચાલુ ટ્રેને ચઢવા જતા જીવલેણ અકસ્માતનો ભોગ બનનાર એક મુસાફરને જવાનોએ મોતના મુખમાંથી બહાર ખેંચી લીધો હતો.

દેવદૂત બની આવ્યા RPF જવાનો

મળતી માહિતી અનુસાર, શુક્રવારે રાત્રે (27 ફેબ્રુઆરી) અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પરથી અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ રવાના થઈ રહી હતી. આ સમયે 36 વર્ષીય ચન્ના ગોવિંદભાઈ નામના મુસાફરે ગતિ પકડતી ટ્રેનના જનરલ કોચમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ ટ્રેને ચઢવા જતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના જોખમી ગેપમાં ખેંચાવા લાગ્યા હતા. જો થોડી પણ સેકન્ડોનો વિલંબ થયો હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પણ વાંચો: સાણંદમાં માઇક્રોનનો 'મેગા' પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની ચિપનું નિર્માણ થશે

પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત CPDS ટીમના કોન્સ્ટેબલ પુરનમલ સમોતા અને છોટુ લાલની નજર આ મુસાફર પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બંને જવાનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દોડી જઈ મુસાફરને ગેપમાંથી બહાર ખેંચી લીધો હતો.

બચાવ બાદ જ્યારે મુસાફરની પૂછપરછ કરવામાં આવી ત્યારે હૃદયદ્રાવક વિગત સામે આવી હતી. મુસાફરે જણાવ્યું કે તેનો પુત્ર હાલ પુણેની હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. પુત્રની ગંભીર સ્થિતિને કારણે તેઓ ભારે માનસિક દબાણ અને ઉતાવળમાં હતા, જેના કારણે તેમણે ચાલુ ટ્રેને ચઢવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ ઘટના બાદ રેલવે વહીવટીતંત્રે મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ ચાલુ ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનું જોખમ ન લેવું, જે જીવલેણ સાબિત થઈ શકે છે.