'અમદાવાદના રસ્તા પરના 3,000 ખાડા ત્રણ દિવસમાં પૂરી દો', મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનો આદેશ
Cave-in on Ahmedabad Roads: અમદાવાદમાં એક મહિનામાં પડેલા 15 ઈંચ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે. શહેરના વિવિધ વિસ્તારમાં રસ્તા અને તળાવો પણ ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તાઓ પર ત્રણેક હજાર ખાડા પણ પડી ગયા છે અને ક્યાંક તો ઓવરબ્રિજના રસ્તા પણ તૂટેલા જોવા મળે છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને આદેશ કર્યો છે કે, આ ત્રણેક હજાર જેટલા ખાડા ત્રણ દિવસમાં પૂરી દો. આ ઉપરાંત તેમણે એવો પણ નિર્દેશ કર્યો છે કે, મ્યુનિસિપાલિટી સહિતના તમામ વિભાગના અધિકારીઓએ વરસાદ વખતે તેમને સોંપાયેલા વિસ્તારમાં જઈને પાણીના નિકાલ સહિતની કાર્યવાહીમાં સક્રિય થવું પડશે.
અમદાવાદમાં 29 મેથી જૂનના અંત સુધી પડેલા વરસાદના કારણે રસ્તાના હાલ ખસ્તા થતા અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા હતા. ખાસ કરીને ગત સપ્તાહે ઓઢવમાં ભારે વરસાદ અને વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી એક બાઈક સવારનું મોત થયું હતુ.આ ઘટના પછી મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તે વિસ્તારમાં રહેતા લોકો અને કોર્પોરેશન તરફથી ચાલતી વિવિધ કામગીરીની છેલ્લી સ્થિતિની માહિતી મેળવી હતી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં બીજી જુલાઈએ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પણ તેમણે વિવિધ વિસ્તારના તળાવોની સ્થિતિને લઈને વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ સંભાળતા અધિકારીનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે, તમે તળાવોના ઈન્ટરલિંકિંગની વાતો કરો છો, પરંતુ તળાવોનું ઈન્ટરલિંકિંગ કરાયું હોય તો પછી તળાવોમાં ગટરના ગંદા પાણી કેમ વહે છે? વરસાદ પડવાથી શહેરના વિવિધ રસ્તા પર અત્યારે પણ ત્રણ હજારથી વધુ ખાડા પૂરાયા નથી. આ ખાડા પૂરવા કોની રાહ જુઓ છો.
પૂર્વ વિસ્તારમાં જ 479 ખાડા પડી ગયા
અમદાવાદ પૂર્વના ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, રામોલ, હાથીજણ, વસ્ત્રાલ, ઓઢવ, નિકોલ અને વિરાટનગર સહિતના વિસ્તારોના વિવિધ રસ્તા વરસાદના કારણે પર 479 ખાડા પડી ગાય છે. આ પૈકી 74 ખાડા તો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનના કારણે પડ્યા છે. અત્યાર સુધી આવા 392 ખાડા પૂરવા રૂ. સાત લાખનો ખર્ચ થઈ ગયો છે.
વોર્ડ | રોડ ઉપરના ખાડા |
ગોમતીપુર | 114 |
અમરાઈવાડી | 32 |
ભાઈપુરા | 32 |
રામોલ | 31 |
વસ્ત્રાલ | 57 |
ઓઢવ | 91 |
વિરાટનગર | 59 |
નિકોલ | 50 |