અમદાવાદના રિંગ રોડ પરના બ્રિજમાં ગાબડાં પડ્યાં, ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બાદ તંત્ર જાગશે?
Representative image |
Ahmedabad Bridge: અમદાવાદની ભાગોળે કમોડ સર્કલ નજીક એસપી રિંગ રોડના સાબરમતી નદી પરના બ્રિજમાં માર્ગ પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે. આ બ્રિજ પરથી દરરોજ નાના-મોટા હજારો વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે અહીં પણ ગમે ત્યારે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે તેવી ભીતિ જાગૃત નાગરિકોએ વ્યક્ત કરી છે. આ પુલના રસ્તા તેમજ તેના જોઈન્ટ સહિતના ભાગોનું સમારકામ તાત્કાલિક અસરથી હાથ ધરવું જરૂરી છે.
પૂર્વ અમદાવાદમાં નારોલ પાસે આવેલા સાબરમતી નદીપરના જર્જરિત બની ગયેલા શાસ્ત્રી બ્રિજનું સમારકામ થોડા સમય પહેલાં હાથ ધરાયું હતું. લાંબા સમય સુધી આ કામગીરી ચાલી હતી. જોકે આ બ્રિજ પણ હજી જોખમી જ છે. આ સ્થિતિ વચ્ચે જાગૃત નાગરિકોએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, એસપી રિંગે રોડ પર કમોડ સર્કલથી ટોલનાકા વચ્ચે સાબરમતી પર બનેલા બ્રિજની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. બ્રિજના રસ્તા પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે. પરિણામે તેના પરથી પસાર થતા ભારે વાહનો પછડાતા હોવાથી બ્રિજને વધુ નુકસાન થઈ રહ્યું છે. બ્રિજના જોઈન્ટ આસપાસ ખાડા પડી ગયા છે. આ બ્રિજ પરથી આખો દિવસ અને રાત સતત ભારે વાહનોની અવર-જવર રહે છે.
વડોદરા નજીકના ગંભીરા બ્રિજ મામલે પણ બે-ત્રણ વર્ષથી રજૂઆતો થઈ રહી હતી. જેને તંત્રએ ધ્યાને નહીં લેતા આખરે દુર્ઘટના ઘટી હતી. કમોડ પાસેનો બ્રિજ સાંકડો હોવાથી તેના પર ભારે વાહનોનો ટ્રાફિક પણ ખુબ જ થાય છે. ગંભીરા બ્રિજ જેવો બનાવ અહીં બને તો મોટા પ્રમાણમાં જાન-માલની ખુવારી થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે આ બાબતને ગંભીર બનીને જવાબદાર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજની ચકાસણી અને જરૂરી સમારકામ હાથ ધરાય તેવી માંગ જાગૃત નાગરિકોએ કરી છે.