અમદાવાદીઓ માટે મોટા સમાચાર: 17 વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી રહેશે પાણી કાપ
Ahmedabad Big News: અમદાવાદ શહેરમાં પાણી કાપ અંગે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં 3 દિવસ (9 જુલાઈથી 11 જુલાઈ સુધી) પાણી કાપ રહેશે. અમદાવાદ શહેરમાં આવેલા શેઢી કેનાલના દરવાજાનું રિપેરિંગ શરૂ થઈ રહ્યું છે. જેના કારણે શેઢી કેનાલના 3 ઝોનના 17 વોર્ડમાં પાણી કાપ રહેશે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં અસર થશે. 3 દિવસ સુધી મણીનગર, ઈસનપુર, ઈન્દ્રપુરી, અમરાઈવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઠક્કરનગર સહિત 17 વોર્ડમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે.
સવારે રાબેતામુજબ થોડો જથ્થો મળી રહેશે: દિલિપ બગડિયા
વોટર કમિટીના ચેરમેન દિલિપ બગડિયાએ આ અંગે જણાવ્યું છે કે, શેઢી કેનાલમાં હાલ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યુ છે. જેના કારણે પાણીનું લેવલ ડાઉન કરવામાં આવ્યુ છે. તેથી જે ગ્રેવિટીથી પાણીનો જથ્થો આવતો હોય છે તે પાણીનો જથ્થો આવતો ઓછો થશે. કોતરપુરથી થોડુ પાણી ડાયવર્ટ કરવામાં આવશે. જેના કારણે ત્રણેય ઝોનનો પાણીની ઓછી સમસ્યાનો સામનો કરવો પડે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ દરમિયાન સાંજના સમયે જે પાણીનો સપ્લાય આપવામાં આવતો હોય છે તે ના આપી શકાય, પરંતુ સવારે રાબેતામુજબ થોડો જથ્થો મળી રહેશે. તેના માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.