ગઠીયાએ ઇ-ચલણની લીંક મોકલીને એકાઉન્ટમાંથી ૪.૮૦ લાખની ઠગાઇ
મેમનગરમાં રહેતી મહિલા સાથે ઓનલાઇન છેતરપિંડી
એચડીએફસીમાં રહેલી ફીક્સ ડીપોઝીટની રકમ તથા બેંક એકાઉન્ટમાંથી પ્રિ-એપ્રુવડ પર્સનલ લોન લીધીઃ લખનઉમાં ત્રણ એટીએમથી નાણાં ઉપાડાયા
અમદાવાદ, બુધવાર
શહેરના મેમનગર બી ડી રાવ હોલ પાસે આવેલા પંચવીલા ટાવરમાં રહેતા માનસી તેલીને ગત શુક્રવારે સાંજના સમયે રૂપિયા ૫૦૦ની ઇ-ચલણનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં ઇ ચલણના નાણાં ભરવા માટેની લીંક મોકલી હતી. જેથી વિશ્વાસ કરીને લીંક પર ક્લીક કરીને થોડી વિગતો ભરી હતી. ત્યારબાદ શનિવારે તેમણે એક ઓનલાઇન પેમેન્ટ કરવા માટે બેંક એકાઉન્ટ ઓપન કર્યું ત્યારે બેંક બેલેન્સ નહોતુ. આ દરમિયાન તેમને નાણાં કપાયાના મેસેજ આવ્યા હતા. જેમાં કુલ ૪.૮૦ હજારના વ્યવહાર થયા હતા.
ઓનલાઇન છેતરપિંડી કરનારે તેમના એકાઉન્ટમાંથી ૨૦ હજારનું બેલેન્સ, ૨.૪૦ લાખની ફિક્સ ડીપોઝીટની રકમ લેવાની સાથે મંજુર થયેલી પર્સનલ લોન મળીને કુલ ૪.૮૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે તેમણે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે લખનઉની પંજાબ નેશનલ બેંકના ત્રણ અલગ અલગ એટીએમમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા. ત્યારે એટીએમના સીસીટીવી પોલીસ માટે તપાસની મહત્વની કડી બની શકે તેમ છે.
એચડીએફસી બેંકના કોલ સેન્ટરમાં પ્રતિસાદ ન મળ્યો
રવિવારે ઓનલાઇન ચિંટીગ થયા મેસેજ મળતા માનસીબેને તાત્કાલિક એચડીએફસી બેંકમાં કોલ કર્યો હતો. પરંતુ, યોગ્ય રીસ્પોન્સ મળ્યો નહોતો. બીજા દિવસે બેંકમાં જઇને જાણ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના સીબીલના આધારે ગઠિયાએ બેંક એકાઉન્ટમાંથી લોન લીધી હતી. ત્યારે જો બેંકના કોલ સેન્ટરમાં તુંરત પ્રતિસાદ મળ્યો હોત તો માનસીબેનને પ્રમાણમાં ઓછુ નુકશાન સહન કરવાનો વારો આવે તેમ હતોે.
ઇ-ચલણની એપીકે ફાઇલ પર ક્લીક ન કરોઃ પોલીસ
સાયબર ક્રાઇમના અધિકારીએ જણાવ્યું કે ઇ-ચલણની લીંક મોકલીને થતી છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. ત્યારે જાગૃત રહેવુ જરૂરી છે. જેમાં લોકોની બેદરકારી પણ જવાબદાર છે. ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઇ-ચલણની લીંક વોટ્સએપમાં આવતી નથી અને કોઇ અજાણ્યા નંબર પરથી મેસેજ નથી આવતા. જેથી આ પ્રકારની લીંક પર ક્લીક ન કરવી.
મહિલાને ૧૩ ટકાના વ્યાજે હપ્તા ભરવાનો વારો આવ્યો
ઓનલાઇન છેતરપિંડી કરતા માફિયાઓને કારણે ભોગ બનનારની હાલત કફોડી થઇ જાય છે. જેમાં માનસીબેનને પોતાના માટે લોન ન લીધી હોવા છતાંય, ઓનલાઇન ઉપાડી લેવામાં આવેલી લોન તેમના નામે હોવાથી આગામી મહિનાથી તેમને લોનના હપ્તા પણ ભરવાનો વારો આવ્યો છે અને એચડીએફસી બેંકે આ મામલે તેમને સહયોગ આપવનો ઇન્કાર કરી દીધો હતો.