તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી
વાસણામાં આવેલા નંદીની સ્કાય વ્યુના સેલ્સના કર્મચારીનું કારસ્તાન
રોકડમાં નાણાં લઇને ડાયરીમાં કોડ વર્ડથી એન્ટ્રી કરી આપતો હતોઃ ફ્લેટ અન્યને વેચાણ થતા વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી
અમદાવાદ,શુક્રવાર
વાસણામાં આવેલા પ્રજાપતિ ગાર્ડન નજીકની નંદીની સ્કાય વ્યુ નામની રેસીડેન્સીયલ સ્કીમમાં તબીબને ફ્લેટનું બુકીગ કરાવીેને વેચાણ પેટે તબક્કાવાર તેમની પાસેથી એક કર્મચારીએ તેમની પાસેથી ૬૦ લાખ રૂપિયાની રોકડ લઇને છેતરપિડી આચરી હોવાની ફરિયાદ વાસણા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીએ તબીબને ફ્લેટ બુક કરી લીધો હોવાની ખાતરી આપીને ડાયરીમાં નાણાં એન્ટ્રી કોડ વર્ડમાં કરી હતી.
શહેરના વાસણામાં આવેલી સારથી નિવાસ સોસાયટીમાં રહેતા ડૉ. દેવાંગ સોલંકી મેમનગર ખાતે બાળકોની હોસ્પિટલ ધરાવે છે. તેમના પત્ની નીશાતાબેન એન.એચ.એલ. મેડીકલ કોલેજ અને એસવીપીમા પ્રોફેસર તરીકે નોકરી કરે છે. દેવાંગભાઇ ભાડેથી રહેતા હોવાથી તેમને નવુ મકાન લેવાનું હોવાથી ગત જુલાઇ ૨૦૨૨માં વાસણા પ્રજાપતિ ગાર્ડન સામે આવેલા સ્વરા નંદીની સ્કાય વ્યુ નામની સ્કીમમાં ફ્લેટ જોવા માટે ગયા હતા.
જે પસંદ આવતા તેમણે આઠમા માળે એક ફ્લેટ બુક કરાવ્યો હતો. આ સમયે ત્યાં હાજર કર્મચારી નિલેશ સોની સાથે વાત કરતા દસ્તાવેજ સાથે ફ્લેટની કુલ કિંમત ૯૭.૫૧ લાખ નક્કી થઇ હતી. દેવાંગભાઇએ આ સમયે બુકીંગ પેટે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. નિલેશ સોનીએ ડાયરીમાં આ નાણાંની એન્ટ્રી કોડ વર્ડમાં કરી આપી હતી અને તબક્કાવાર નાણાં મળે તે મુજબ ડાયરીમાં એન્ટ્રી કરી આપવાનું કહ્યું હતું.
જેથી દેવાગભાઇેએ વિશ્વાસ કરીને તબક્કાવાર કુલ ૬૦ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. પરંતુ, નિલેશ સોની બાનાખત કરી આપતો નહોતો. બીજી તરફ દેવાંગભાઇએ બિલ્ડીંગ કંપનીના એક કર્મચારીને જાણ કરતા તેમને સ્વરા નંદીની ગુ્રપના ભાગીદાર મેહુલભાઇ ગોહિલ અને સ્વરા ગુ્રપના માલિક કાર્તિકભાઇ સોનીને મળવા માટે કહ્યું હતું. જેથી દેવાંગભાઇ તેમને મળ્યા ત્યારે નિલેશ સોની ે પણ ત્યાં હાજર હતો અને તેણે નાણાં લીધાની કબુલાત કરી હતી અને બાનાખત કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તે ફલેટ અન્યને વેચાણ આપી દીધો હતો. આમ, છેતરપિંડી થતા આ મામલે વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.