Get The App

મેલી વિદ્યાની વિધી કરવાના નામે તાંત્રિકે ૧૪ લાખના દાગીના પડાવ્યા

ઘાટલોડીયામાં રહેતો પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બન્યો

વિધી દરમિયાન દાગીનાના પોટલીમાં મુકાવીના આબાદ રીતે સોનાની દાગીના લઇ લીધાઃ તાંત્રિકે અનેક લોકોને વિધીના નામે ટારગેટ કર્યાની શક્યતા

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
મેલી વિદ્યાની વિધી કરવાના નામે તાંત્રિકે ૧૪ લાખના દાગીના પડાવ્યા 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના ઘાટલોડિયા કે કે નગરમાં રહેતા એક પરિવારને તેમના ઘરની વહુની પેટની બિમારીની સારવાર તબીબને બદલે તાંત્રિક પાસે કરાવવાનું ભારે પડયું હતું.  મહિલા પર કોઇએ મેલી વિદ્યા કરી હોવાથી વિધી કરવાના નામે પોટલીમાં અલગ અલગ સમયે સોનાના દાગીના મુકાવીને કુલ ૧૪ લાખની કિંમતના દાગીના પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


આ સમગ્ર બનાવની વિગતો  એવી છે કે  ઘાટલોડિયા કે કે નગર પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારના દુર સગા ગોતા વંદે માતરમ પ્રાઇમમાં રહેતા ભુવાજી ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજી પાસે વિધી કરાવવા માટે આવતા હતા. જેથી તેમની સાથે નજીકનો પરિચય હતો. ગત  ૪ માર્ચના રોજ આ પરિવારની એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે પેટમાં દુખાવો હતો. જેથી તેને ચંદ્રકાંત પંચાલને ત્યાં  લઇ જવામાં આવી હતી. ત્યારે ભુવા ચંદ્રકાંતે રાત્રે  ઘાટલોડિયામાં આવીને વિધી માટે આવવાનું કહ્યું હતું અને વિધી માટેની સામગ્રીની યાદી આપી હતી. બીજા દિવસે રાતના સમયે ભુવો ચંદ્રકાંત ઘરે આવ્યો હતો તેણે ઘરમાં વિધી શરૂ કરીને કહ્યું હતું કે હું અઘોરી છુ.. તમારા ઘરની વહુ પર મેલી વિદ્યા થઇ છે. જેથી જે માટે વિધી કરવા જામીન રૂપે સોનાના દાગીના મુકવા પડશે. આમ, તેણે લાલ રંગના કાપડમાં અનાજ સાથે દાગીના મુકી દીધા હતા. જે પોટલીને ઘરના એક ખુણામાં મુકાવી દીધી હતી.

ત્યારબાદ બીજા દિવસે રાતના સમયે આવ્યો હતો અને ફરીથી પોટલીમાં દાગીના મુકાવ્યા હતા. આ વિધી ત્રીજા દિવસે પણ કરી હતી. સાથેસાથે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી વિધી પુરી ન થાય ત્યાં સુધી પોટલી ખોલવાની નથી.

બીજી તરફ ગત ૨૫મી માર્ચના રોજ અચાનક ભુવો ચંદ્રકાંત પંચાલ ઘરે આવ્યો હતો અને રડવાનું નાટક કરીને પરિવારને  કહ્યું હતું કે તમારી વિદ્યા કરવાને કારણે તેની અસર મારા નાના ભાઇ અને તેની મંગેતરને થઇ છે અને તેમને અકસ્માત થયો છે. આ માટે મારે ફરીથી વિધી કરવી પડશે અને તેણે ફરીથી સાડા ત્રણ લાખની કિંમતના દાગીના જામીનરૂપે લઇને લીધા હતા.એટલુ જ તેણે  પરિવાર પાસેથી લક્ઝરી કાર પણ પોતાના ચલાવવા માટે લઇ લીધી હતી.  આ દરમિયાન ગત ૧૮મી તારીખે જાણવા મળ્યું હતું કે ભુવા ચંદ્રકાંત પંચાલ વિરૂદ્ધ માંડલમાં ગુનો નોંધાયો છે. જેથી શંકા જતા પરિવારે તમામ દાગીના વાળી પોટલી ખોલી ત્યારે જોયુ તો તમામ દાગીના ગાયબ હતા. ભુવાએ પરિવારને મેલીવિદ્યાના નામે ડરાવીને ૧૪ લાખની કિંમતના દાગીના પડાવી લીધા હતા. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ભુવાએ વિધીના નામે પડાવેલા દાગીના ગોલ્ડ લોનમાં મુક્યા

ભુવા ચંદ્રકાંત પંચાલે વિધીના નામે દાગીના પડાવવાની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી. જેમાં તેણે માંડલમાં પણ એક પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સોનાના દાગીના ગોતામાં આવેલી મુથુટ ગોલ્ડ અને જ્વેલર્સમાં મુકીને લોન લીધી હતી. તેણે ઘાટલોડિયા સાથે સોલામાં એક વ્યક્તિ સાથે લાખોની છેતરપિંડી કરી હતી. ત્યારે તેની પુછપરછમાં વધુ ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Tags :