Ahmedabad Rathyatra Security: અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે આ વર્ષે એક અત્યંત આધુનિક અને ટૅક્નોલૉજી આધારિત નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર રથયાત્રામાં જોડાનારા તમામ 18 ગજરાજો પર GPS ટ્રેકિંગ ડિવાઇસ, 360 ડિગ્રી કેમેરા અને સાઉન્ડ મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. આ હાઇટેક ઉપકરણોની મદદથી પોલીસ કંટ્રોલ રૂમમાં બેસીને જ હાથીઓની હિલચાલ અને તેમની આસપાસની ભીડ પર પળેપળની નજર રાખી શકાશે.
રૂટ બદલાશે તો કંટ્રોલ રૂમમાં વાગશે ઍલર્ટ
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન લાખોની જનમેદની વચ્ચે હાથીઓ ભડકવાના કે અન્ય કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. દરેક હાથીની અંબાડી પર એક ખાસ GPS ટ્રેકર ફિટ કરવામાં આવશે. જો કોઈ હાથી નિયત કરાયેલા રૂટ પરથી જરા પણ ફંટાશે અથવા તેની ગતિમાં અસામાન્ય ફેરફાર જણાશે, તો પોલીસ કંટ્રોલ રૂમમાં તાત્કાલિક ઓટોમેટિક ઍલર્ટ મેસેજ પહોંચી જશે, જેથી સુરક્ષાકર્મીઓ એક્શનમાં આવી શકે.
360 ડિગ્રી કેમેરાથી લાઇવ નજર
માત્ર લોકેશન જ નહીં પણ હાથીઓની આસપાસ શું ચાલી રહ્યું છે તે જોવા માટે 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઇવ ફીડ સીધું પોલીસ કંટ્રોલ રૂમ સ્ક્રીન પર જોઈ શકાશે. આનાથી કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ હાથીઓની વર્તણૂક અને તેની આસપાસ એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓના ટોળાનું લાઇવ મોનિટરિંગ કરી શકશે.
હાથીઓ ભડકે નહીં તે માટે 'ડેસિબલ' પર વોચ
ભીડમાં થતાં પ્રચંડ અવાજ, ડીજે અથવા ફટાકડાના કારણે ઘણીવાર મૂંગા પશુઓ તણાવમાં આવી જતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અંબાડી પર સાઉન્ડ-લેવલ મોનિટરિંગ ડિવાઇસ(અવાજ માપક યંત્ર) પણ લગાવવામાં આવશે. જો અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધશે, તો તંત્રને વહેલી ખબર પડી જશે કે કયા ભાગમાં હાથીઓ માટે અસ્વસ્થતા ઊભી થઈ શકે તેમ છે.
આ પણ વાંચો: અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ
સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે: ક્રાઇમ બ્રાન્ચ
આ હાઇટેક પ્રોજેક્ટ અંગે વિગતો આપતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, 'GPS, લાઇવ કેમેરા ફીડ અને સાઉન્ડ મોનિટરિંગ ટૅક્નોલૉજીના સમન્વયથી પોલીસ કોઈ પણ અસાધારણ પરિસ્થિતિમાં અત્યંત ઝડપથી પ્રતિભાવ આપી શકશે. આનાથી રથયાત્રાના ઓવરઓલ સિક્યુરિટી મેનેજમેન્ટને વધુ મજબૂતાઈ મળશે.'
ગુજરાતના આ સૌથી મોટા ધાર્મિક મહોત્સવમાં જનમેદનીની સુરક્ષાની સાથે સાથે ગજરાજોની સુરક્ષા અને સુખાકારી જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસનું આ આયોજન છે.
ગત રથયાત્રામાં ગજરાજ થયા હતા બેકાબૂ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતાં આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ડી.જે.ના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેવામાં પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી મચી ન હતી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબુ મેળવી લીધો હતો.


