Gujarat

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક હૃદયધબકારા રોકી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે આવતી BRTS બસે એક બાઈકને જોરદાર ટક્કર મારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર

Ahmedabad Ranip Accident: અમદાવાદ શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને સ્પીડના કારણે માર્ગ અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક હૃદયધબકારા રોકી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પુરપાટ ઝડપે આવતી BRTS બસે એક બાઈકને જોરદાર ટક્કર મારી છે. 

ડી-માર્ટ પાસે સર્જાયો ભયાનક અકસ્માત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ (D-Mart) નજીક આજે એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પસાર થઈ રહેલી એક બીઆરટીએસ (BRTS) બસ અને બાઈક વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસ ઉભેલા લોકો પણ ધડાકો સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. બસની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર ફગાવી દેવાયા હતા અને ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા.

અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર, લોકોના ટોળેટોળા ઉમટ્યા

આ દુર્ઘટના સર્જાયા બાદ તરત જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે રોડ પર મોટા પ્રમાણમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાના ડરથી હોબાળો મચતા જ બીઆરટીએસ બસનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો અને પછી પોલીસ સમક્ષ સ્ટેશને હાજર થઇ ગયો હતો. 

108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ અને ભારે રક્તસ્ત્રાવ થયો હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી, ફરાર બીઆરટીએસ ડ્રાઈવરને પકડવા માટે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.