Get The App

અસહય ઉકળાટ પછી વરસી પડયો વરસાદ, નિકોલ, ઓઢવ એક ઈંચ વરસાદમાં જળબંબાકાર,બે ફુટ સુધી પાણી ભરાયા

રેવડી બજાર પાસે આવેલ મકાનની આગળનો આર્ટિફિશ્યલ ફસાડ પડતા એક રીક્ષાને નુકસાન,બે વૃક્ષ ધરાશાયી થયા

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
અસહય ઉકળાટ પછી વરસી પડયો વરસાદ, નિકોલ, ઓઢવ એક ઈંચ વરસાદમાં જળબંબાકાર,બે ફુટ સુધી પાણી ભરાયા 1 - image


અમદાવાદ,શનિવાર,5 જુલાઈ,2025

અમદાવાદમાં શનિવારે અસહય ઉકળાટ પછી બપોરના બે કલાકના સુમારે વરસાદ વરસી પડયો હતો.નિકોલ અને ઓઢવ વિસ્તારમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા રસ્તા ઉપર દોઢથી બે ફુટ જેટલા પાણી ફરી વળ્યા હતા.સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ઓઢવ ફાયર સ્ટેશન આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી. કાલપુર વિસ્તારમાં રેવડી બજાર પાસે આવેલા એક મકાનના  આગળના ભાગમાં લગાવેલ આર્ટિફિશ્યલ ફસાડ રોડ ઉપર પડતા એક રીક્ષાને નુકસાન થયુ હતુ.થોડા સમય માટે આ રસ્તો ટ્રાફિકની અવરજવર માટે બંધ કરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાઈ ગયા હતા.દાણાપીઠ અને દુધેશ્વર વિસ્તારમાં એક-એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૧૦.૮૮ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૧૭.૧૮ ઈંચ વરસાદ થયો હતો.

શનિવારે બપોરે બે કલાકના સુમાર પૂર્વ અમદાવાદના ઓઢવ ઉપરાંત નિકોલ.વિરાટનગર સહીતના વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. એક કલાકમાં નિકોલમાં ૨૫ મિલીમીટર અને ઓઢવમાં ૧૬ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતા ફરી એકવખત છતી થઈ હતી. આટલા સામાન્ય એવા વરસાદમાં પણ નિકોલ અને ઓઢવ વિસ્તારમાં રોડ ઉપર દોઢથી બે ફુટ જેટલા પાણી ફરી વળતા સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની નિષ્ફળતાને છતી કરતા વિડીયો બનાવી સોશિયલ મિડીયા ઉપર વાઈરલ કરી રોષ ઠાલવ્યો હતો. પાલડી વિસ્તારમાં આ સમય દરમિયાન ૧૬ મિલીમીટર તથા વાસણા વિસ્તારમાં ૨૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.મકતમપુરા વિસ્તારમાં ૧૬ મિલીમીટર અને દાણાપીઠ વિસ્તારમાં ૧૫ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.સાંજના સાત કલાકના સુમારે રેવડી બજાર વિસ્તારમાં આવેલા એક મકાનના આગળના ભાગમાં લગાવાયેલ આર્ટિફિશ્યલ ફસાડ પડવાની સાથે કેટલીક ઈંટો પણ પડતા ટ્રાફિકની અવરજવર આ રોડ ઉપરથી બંધ કરાતા ચોતરફ વાહનોની લાંબી લાગેલી જોવા મળી હતી.સામાન્ય એવા વરસાદમાં પણ લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા.

કયાં-કેટલો વરસાદ

શનિવારે સવારના ૬ થી રાત્રિના ૮ કલાક સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં પડેલો વરસાદ આ મુજબ રહયો હતો

વિસ્તાર    વરસાદ(મિ.મી.)

નિકોલ     ૩૯

ઓઢવ    ૨૪

વિરાટનગર ૨૨

કઠવાડા    ૧૯

ચકુડીયા   ૧૨

પાલડી   ૨૨

વાસણા  ૨૬

મકતમપુરા ૨૯

દાણાપીઠ ૨૪

દુધેશ્વર    ૧૧

મણિનગર ૧૧

વટવા     ૦૯

        

Tags :