અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ
Kavach Safety System: ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે સમગ્ર દેશમાં રેલવે દ્વારા 'કવચ' સુરક્ષા સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અમદાવાદ રેલવે વિભાગની અત્યાર સુધીની કામગીરી ખુબ જ ધીમી અને નબળી રહી હોવાની વિગતો અગાઉ એક આરટીઆઈમાં સામે આવી હતી.
કવચ સુરક્ષા સિસ્ટમ: અમદાવાદ રેલવે વિભાગની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ
આ દરમિયાનમાં આજે અમદાવાદ રેલવે વિભાગે જ વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, વટવા અને સાબરમતી રેલવે યાર્ડમાં કુલ 214 એન્જિનમાંથી 30 એન્જિનમાં 'કવચ' સુરક્ષા સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. વટવા યાર્ડમાં 146 અને સાબરમતી યાર્ડમાં 38 એન્જિનમાં 'કવચ' સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે રેલવે ટ્રેકમાં તો અમદાવાદ-ગેરતપુર વચ્ચે માત્ર 13.42 કિલોમીટરમાં જ 'કવચ' સિસ્ટમ લગાવી શકાઈ છે. આગામી બે વર્ષમાં અમદાવાદ પાલનપુર વચ્ચે 402 કિમી અને પાલનપુર-સામખિયાળી-ગાંધીધામ વચ્ચે 300 કિમીમાં આ સુરક્ષા સિસ્ટમ લગાવી દેવામાં આવશે, તેવો દાવો રેલવે તંત્રએ કર્યો છે.
આ પણ વાંચો: થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો
'કવચ' ટેક્નોલોજી શું છે?
'કવચ' એક સ્વદેશી ટેક્નોલોજી છે, જેના વિશે દાવો કરવામાં આવ્યો હતો કે રેલવે દુર્ઘટનાઓ અટકાવવા માટે તેને બધા જ વ્યસ્ત રૂટો પર લાગુ કરવામાં આવશે. આ ટેક્નોલોજીમાં ટ્રેનના એન્જિન ઉપરાંત રેલવેના ટ્રેક પર પણ ડિવાઇસ લગાવવામાં આવે છે. આ ડિવાઇસને કારણે જો એક જ ટ્રેક પર બે ટ્રેનો એકબીજાની નજીક આવે, તો સિગ્નલ અને એલાર્મ દ્વારા પાયલટને ચેતવણી મળે છે. જોકે, આ બધા દાવાઓ છતાં, રેલવે દુર્ઘટનાઓ અટકાવી શકાઈ નથી.