Ahmedabad News: આમ તો, ગુજરાત ડ્રાય સ્ટેટ છે પણ રાજ્યમાં કોઈ ખૂણો એવો નથી કે જ્યાં દારૂ સરળતાથી મળતો ના હોય, પહેલા લોકો છુપાઈ છુપાઈને મહેફિલ કરતા પણ હવે સમય બદલાયો છે. માલેતુજાર લોકો શહેરની હદ બહાર પ્રાઈવેટ ફાર્મમાં મહેફિલ માણે છે. મહત્ત્વનું છે કે, થોડા મહિના અગાઉ સાણંદ પોલીસે એક ફાર્મમાં ચાલતી રેવ પાર્ટી પર દરોડો પાડીને અનેક નબીરાને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આમ છતાં, હજુ શીલજ, સાંતેજ અને ભાટ જેવા વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂ અને રેવ પાર્ટીનું બિનધાસ્ત આયોજન થતું રહે છે. આ સમગ્ર માહોલમાં શહેર પોલીસની કામગીરી પણ શંકાસ્પદ છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
24 કલાક કે વધુ દિવસના રૂ. 20 હજારથી લઈ 15 લાખના પેકેજ
અમદાવાદ શહેરની ફરતે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફાર્મ ભાડે આપવાનું ચલણ વધ્યું છે. આ પ્રકારના ભાડે અપાતા ફાર્મ હાઉસના 24 કલાક અને તેનાથી વધુ દિવસના પેકેજ હોય છે. આ પેકેજ પ્રમાણે તેમાં શરાબ અને શબાબ સહિતની તમામ વ્યવસ્થા હોય છે. શીલજ, રાંચરડા, સાંતેજ અને ભાટની આસપાસના ફાર્મ હાઉસમાં અત્યારે ઓછામાં ઓછા 10 લોકોના ગ્રૂપનું 24 કલાકનું ભાડું રૂ. 20,000થી 50,000, 30,000થી 70,000 અને 5,05,000થી 15,00,000 સુધીનું હોય છે.
પોલીસના નાક નીચે યોજાતી શરાબ-શબાબની મહેફિલો
એવું કહેવાય છે. આ પેકેજમાં જ શરાબ અને શબાબની વ્યવસ્થા કરી અપાય છે, તો કેટલાક ફાર્મમાં પાર્ટી આપનારે ખુદ દારૂ સહિતની અન્ય વ્યવસ્થા કરવાની હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પેકેજમાં બાર કાઉન્ટરની ગોઠવણી, હુક્કા સહિતના નશા અને DJ મ્યુઝિક સહિતની સર્વિસ ઓફર કરાય છે. આ મુદ્દે જાણકારો કહે છે કે, આ સમગ્ર ખેલ ખૂબ શંકાસ્પદ રીતે પોલીસના નાક નીચે જ થાય છે.
ફાર્મ હાઉસ માલિકો પર પોલીસની રહેમ નજર
આ તમામ વિસ્તારમાં દારૂ અને ભાડાનું ફાર્મ એ બંને સરળતાથી ઉપલબ્ધ છે અને ઊંચી વગ ધરાવનારા લોકો તેનો ભરપૂર લાભ પણ લે છે. વિકેન્ડ્સ અને વિવિધ તહેવારોમાં તો ફાર્મ હાઉસની ભારે માંગ હોય છે, જેથી એડવાન્સ બુકિંગ પણ કરાય છે. એ તો ઠીક, આ બુકિંગ પણ સોશિયલ મીડિયા કે એર BNB જેવી સાઇટ પર કન્ફર્મ કરાય છે. ફાર્મ હાઉસમાં જઈને પાર્ટી કરનારા અનેક લોકોને લાગે છે કે, આ પ્રકારની પાર્ટીની મજા લેવા માટે તે બિલકુલ સુરક્ષિત છે. જાણકારો કહે છે કે, આ રીતે ફાર્મ હાઉસમાંથી કમાણી કરતા માલિકોને પોલીસનો બિલકુલ ડર નથી. તેઓ જ તેમના નક્કી કરેલા ગ્રાહકોને પોલીસ હેરાનગતિ નહીં થાય એવી બાંહેધરી આપે છે. આ પરથી સમજી શકાય છે કે, આ બધા ફાર્મ હાઉસમાં ગોરખ ધંધા પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલે છે.


