ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ
કારમાંથી છ અલગ અલગ નંબર પ્લેટ મળી આવી
રાજસ્થાનથી દારૂનો જથ્થો લવાયો હતોઃ એસ જી હાઇવે પરથી બિનવારસી કારમાંથી ૧૩૦૦ બોટલ દારૂ મળી આવ્યો
અમદાવાદ,સોમવાર
ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર પાસેની ગલીમાં રાજસ્થાનથી આવેલી કારમાંથી દારૂનું કંટીગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પીસીબીએ દરોડો પાડીને બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસને કારમાંથી અલગ અલગ છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. આ ઉપરાંત, મોટેરામાં એક સ્થાનિક બુટલેગરને તેમજ સોલા પોલીસે એસ જી હાઇવે પર બિનવારસી કારમાંથી ૧૩૦૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો.
રાજસ્થાનથી ક્રેટા કારમાં દારૂ લાવીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દારૂનોે જથ્થો વિવિધ બુટલેગરોને સપ્લાય કરવામાં આવે છે. જે અંગે પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી જાડેજાને બાતમી મળી હતી કે એક ક્રેટાને વિદ્યાપીઠ સ્નાનાગાર પાસેના રોડ પર લાવીને દારૂનું કંટીગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં રહેલા બે વ્યક્તિ સ્કૂટર અને કાર મુકીને નાસવા જતા હતા. જો કે પોલીસે બંનેને ઝડપીને તપાસ કરતા કારમાંથી ૨૧૯ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. સાથેસાથે પોલીસને અલગ છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસથી બચવા માટે બુટલેગર ખેપ મારતા સમયે કારની નંબર પ્લેટ બદલતા હતા.
પોલીસે ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા તેમના નામ ભીયારામ ચૌધરી (રહે. તક્ષશીલા હેબીટેટ, રીંગ રોડ, ઓઢવ) અને અનિલ પ્રજાપતિ (રહે.શંભુપ્રસાદની પોળ, દિલ્હી ચકલા, શાહપુર) હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઉપરાંત, મોટેરા નરનારાયણ પાર્ટી પ્લોટ પાસે એક સ્કૂટરમાંથી ૪૮ બોટલ દારૂ જપ્ત કર્યો હતો. જો કે પોલીસને જોઇને સ્કૂટર ચાલક ફરાર થઇ ગયો હતો. અન્ય બનાવમાં સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ જે દેલાઇ અને તેમના સ્ટાફ સાથે એસ જી હાઇવે પર પેટ્રોલીંગમાં હતા ત્યારે જેગુઆર કારના શો રૂમ પાસે એક કાર બિનવારસી હાલતમાં પડી હતી.
જેથી પોલીસે શંકાને આધારે તપાસ કરતા તેમાંથી રૂપિયા સાડા છ લાખની કિંમતની ૧૩૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે દારૂનો જથ્થો લાવીને ત્યાં કાર મુકીને અન્ય વ્યક્તિને આપવાની હતી. પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબર અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.