વિવાદાસ્પદ પત્રકાર દીર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 10 લાખના રૂપિયા પડાવી લેવાના કેસના આરોપી પત્રકાર દીર્ઘાયુ વ્યાસનું વધુ એક પરાક્રમ સામે આવ્યું છે. જેમાં તેણે નિકોલમાં પાર્કિગના મામલે એક યુવકને પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપીને રિવોલ્વર બતાવીને બળાત્કાર અને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. છ મહિના પહેલા બનેલી આ ઘટનામાં યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ, દીર્ઘાયુએ તેની ઓળખ નેતાઓથી માંડી ઉચ્ચ અધિકારીઓ સાથે હોવાનું કહીને ડરાવ્યા બાદ અરજી પરત લેવડાવી હતી. આ અંગે પોલીસે સીસીટીવી ફુટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
એક જાણીતી મિડીયા હાઉસની વેબસાઇટમાં નોકરી કરતા પત્રકાર દીર્ઘાયુ વ્યાસ ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને રૂપિયા 10 લાખ રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ નોંધાયા બાદ તેનો ટારગેટ બનેલા અનેક લોકોએ ક્રાઇમબ્રાંચના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. જે અનુસંધાનમાં પુરાવા અને સાક્ષીઓના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં દીર્ઘાયુ વ્યાસ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

નિકોલમાં મધુવન પાર્ટી પ્લોટ નજીક આવેલા રવિરાજ ડુપ્લેક્સમાં રહેતા સાહિલ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત ૨૮મી માર્ચના રોજ તેની સોસાયટીમાં એક સામાજીક પ્રસંગ હોવાને કારણે સાહિલ પટેલ સહિતના સ્થાનિક લોકોએ તેમની કાર બહારના રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી. ત્યારે તેમની સોસાયટીમાં રહેતા રોહિત વ્યાસે સાહિલને ફોન કરીને જણાવ્યું હતું કે તારી કાર હટાવી લેજે. પરંતુ, સોસાયટીના પાર્કિગમાં જગ્યા ન હોવાથી તેણે કાર હટાવી નહોતી. થોડીવાર સોસાયટીના અન્ય વ્યક્તિનો ફોન આવતા સાહિલ તેના મિત્ર સાથે સોસાયટીની બહાર ગયો હતો. જ્યાં નંબર પ્લેટ વિનાના અને અન્ય એક કાર હતી. જ્યારે રોહિત વ્યાસ અને અન્ય ત્રણ યુવકો હાજર હતા. રોહિતે કાર પાર્કિગના મામલે સાહિલ સાથે તકરાર કરી હતી અને કમરે રિવોલ્વર ભરાવીને આવેલા એક યુવક તેને બાજુમાં લઇ જઇને કહ્યું હતું કે મારૂ નામ દીર્ઘાયુ વ્યાસ છે અને હુ અમદાવાદ પોલીસમાં પીએસઆઇ છું.
ત્યારબાદ રિવોલ્વર સાહિલના લમણે મુકીને ધમકી આપી હતી કે આ રિવોલ્વર તારી સગી નહી થાય. તુ બહુ બોલીશ તો જાનથી મારી નાખીશ. આ નંબર પ્લેટ વિનાની કાર મારી છે. તને ઉઠાવી જઇશ તો કોઇને ખબર પણ નહી પડે. ત્યારબાદ સાહિલને માર માર્યો હતો. આ ઘટના બાદ સાહિલ ગભરાઇ ગયો હતો અને જાણવા મળ્યું હતું કે દીર્ઘાયુએ સોસાયટીના અન્ય લોકો સાથે પણ પીએસઆઇની ઓળખ આપીને દાદાગીરી કરી હતી.
આ ઘટનાના બે દિવસ બાદ સોસાયટીના ચેરમેન અન્ય સભ્યોને જાણ કરીને નિકોલ પોલીસ સ્ટેશનમાં રોહિત વ્યાસ અને અન્ય લોકો વિરૂદ્ધ અરજી કરી હતી. આ અરજી અંગે સાહિલ પટેલ નિવેદન આપવા માટે પોલીસ ચોકી ગયો ત્યારે દીર્ઘાયુ વ્યાસ ત્યાં હાજર હતો.તેણે સાહિલને ચોકીની બહાર બોલાવીને ધમકી આપી હતી કે હુ પીએસઆઇ છું અને તેણે મોબાઇલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથે તેના ફોટો બતાવીને કહ્યું હતું કે હું તમામ લોકોના સીધા સંપર્કમાં છુ. જો તુ અરજી પરત નહી ખેંચે તો તને અમદાવાદમાં શાંતિથી રહેવા દઇશ નહી અને બળાત્કાર, એટ્રોસીટીના ખોટા કેસમાં ફસાવી દઇશ. એટલુ જ નહી તારે ખર્ચો પણ આપવો પડશે. જેથી સાહિલ પટેલે ડરીને અરજી પરત ખેંચી લીધી હતી. દીર્ઘાયુએ ધમકી આપ્યાની ધટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ હોવાથી સોસાયટીએ તે સીસીટીવી ફુટેજ પુરાવા રૂપે પોલીસને આપતા નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.









