સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા
મહિલાઆની સુરક્ષા અંગેના બેનર્સના વિવાદનો મામલો
સંતકર્તા ગુ્રપને માત્ર ટ્રાફિક અવેરનેશ માટેના બેનર્સની મંજુરી અપાઇ હતીઃ સોલા પોલીસે જાણવા જોગ નોંધ કરી
અમદાવાદ,શુક્રવાર
શહેરના સાયન્સ સીટી અને સોલા વિસ્તારમાં સતકર્તા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સૌજન્યના નામથી લગાવવામાં આવેલા બેનર્સમાં મહિલાઓને રાતના સમયે બહાર ન નીકળવા અને અમદાવાદ સુરક્ષિત શહેર નથી તેવા બેનર્સ લગાવવામાં આવતા વિવાદ થયો હતો. જે મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વાંધાજનક લખાણ મામલે હાથ ઉંચા કરીને માત્ર બેનર જપ્ત કરવાની સાથે સોલા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીન તપાસના આદેશ આપ્યા છે. પરંતુ, અમદાવાદની છબીને નુકશાન કરનાર ગુ્રપના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો નથી.
શહેરના સાયન્સ સીટી, સોલા તેમજ પશ્ચિમ વિસ્તારના સતર્કતા ગુ્રપ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સૌજન્યથી કેટલાંક બેનર્સ લગાવવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જેમાં મહિલાઓને રાતના સમયે એકલા ન નીકળવા તેમજ નીકળશે તો અમદાવાદ સલામત નથી તેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું. આ બાબત અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક તમામ બેનર્સને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જે અંગે ડીસીપી ટ્રાફિક (પૂર્વ) સફીન હસને જણાવ્યું કે ટ્રાફિક પોલીસે સતકર્તા ગ્રુપને ટ્રાફિકની અવેરનેશ માટેના બેનર્સ લગાવવા માટે પરવાનગી આપી હતી. પરંતુ, ગુ્રપના સંચાલકે પોલીસની જાણ બહાર આ બેનર્સ લગાવ્યા હતા. જેથી આ આ અંગે સોલા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવીને તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.
અમદાવાદ શહેરના સૌથી સુરક્ષિત શહેરનો ખિતાફ મળ્યો છે. ત્યારે સતર્કત ગુ્રપ દ્વારા મહિલાઓની સુરક્ષાના મામલે જે બેનર્સ લગાવવામાં આવતા સલામતીના દાવાને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જો કે પોલીસ અધિકારીઓ માને છે કે આ બેનર્સનું લખાણ અયોગ્ય છે અને અમદાવાદ પોલીસ સુરક્ષા માટે સક્ષમ છે. ત્યારે આ મામલે સતર્કતા ગુ્રપ વિરૂદ્ધ માત્ર જાણવા જોગ નોંધ નહી પણ ફરિયાદ નોંધવાની જરૂર હોય છે.પરંતુ, પોલીસે ફરિયાદ ન નોંધતા સુરક્ષાના પોલીસના દાવા પર સવાલ ઉભા થયા છે.
સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયામાં વાંધાજનક પોસ્ટ મુકે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવે છે પરંતુ, અમદાવાદની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉભા કરનાર સામે શા માટે ગુનો ન નોંધ્યો? તે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો છે.