Gujarat

શહેરમાં ત્રણ દિવસમાં ૫૦ આરોપીઓ વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી

By GS TEAM
19 Jun 20252 mins read
શહેરમાં ત્રણ દિવસમાં ૫૦ આરોપીઓ વિરૂદ્ધ પાસા-તડીપારની કાર્યવાહી

અમદાવાદ,ગુરૂવાર

આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂદ્ધ અટકાયતની કામગીરીની સાથે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાનમાં ત્રણ દિવસ દરમિયાન  ૨૦ લોકોને  તડીપાર તેમજ ૩૫ આરોપીઓ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી ૧૦૦થી વધુ આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.જ્યારે દરિયાપુર પોલીસે દેશી તમંચા જેવા હથિયારનું વેચાણ કરતી ગેંગને પણ ઝડપી લીધી છે.

આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે તત્વો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન ૫૫થી વધુ લોકો વિરૂદ્ધ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે.   જેમાં વટવા, કાગડાપીઠ, રામોલ, અમરાઇવાડી, સરદારનગર, દાણીલીમડા સહિતના પોલીસ સ્ટેશનની હદમાં રહેતા આરોપીઓનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં પણ પાસા અને તડીપારની કાર્યવાહી પીસીબી દ્વારા  કરવામાં આવી રહી છે. 

બીજી તરફ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી દેસાઇ અને તેમના સ્ટાફે બાતમીના આધારે એક મહિલા સહિત ચાર લોકોને શંકાને આધારે ઝડપીને  તપાસ કરતા તેમની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં  આરોપીઓના નામ ધવલ મકવાણા ( વડગામ, બનાસકાંઠા), અશોક બજાણીયા ( પાલનપુર),  હાર્દિક ઠાકોર ( પાલનપુર) અને મીના બૈરાગી (  ઉજ્જૈન , મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું.

ઝડપાયેલા આરોપીઓ દેશી હથિયારોના વેચાણ માટે અમદાવાદ આવ્યા હતા અને મીના આ હથિયાર સાથે લાવી હતી. તેમણે શહેરમાં કેટલાંક લોકોને હથિયાર વેચાણ કર્યા શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.