પરમીશન વિના સેલ-એક્ઝીબીશન માટે પોલીસનું બે લાખ સુધીનું ઉઘરાણું

અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદમાં વેકેશન કે તહેવારની સિઝનમાં વેપારીઓ વિવિધ પ્લોટ કે કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં સેલનું આયોજન કરે છે. પરતુ, અમદાવાદ પોલીસના કેટલાંક પોલીસ અધિકારીઓ અને તેમના મળતિયાઓના ત્રાસના કારણે સેલનું આયોજન કરતા વેપારીઓ હવે વધુ ને વધુ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જે તે પોલીસ સ્ટેશનની હદમાં કોઇ સેલ શરૂ કરવો હોય અને પુરતા જરૂરી કાગળો હોય તો પણ જો પોલીસ માટે કામ કરતા મળતિયાઓને સાચવવામાં ન આવે તો અલગ અલગ કારણ આપીને સેલની પરમીશન આપવામાં આવતી નથી. અને જો મળતિયાઓની સાંઠગાંઠ હોય તો પરમીશન વિના સેલ શરૂ કરવો હોય તો સીઝન પ્રમાણ નક્કી કરેલી બે લાખ સુધીની રકમ પોલીસના વહીવટદારને આપી દેવાની ત્યારબાદ પરમીશન વિના બેરોકટોક રીતે સેલને ચલાવવામાં આવે છે.સૌથી નવાઇની વાત એ છે કે આ પોલીસ અધિકારીઓ તેમના સિનિયર અધિકારીઓની સુચનાને ઘોળીને પી જાય છે. છેવટે હવે આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.
અમદાવાદમાં વિવિધ ક્લબ, કોમર્શીયલ કોમ્પલેક્સમાં વેકેશન તેમજ તહેવારોમાં બહારના રાજ્યોના તેમજ સ્થાનિક વેપારીઓ સીઝનલ સેલનું આયોજન કરતા હોય છે. આ સેલનું આયોજન કરવા માટે આયોજક વેપારીએ જે તે જગ્યાની ફાયર એનઓસી, સીસીટીવી સુરક્ષા, પાર્કિગ સહિતની અનેક બાબતોના અનુસંધાનમાં ડોક્યુમેન્ટ સાથે રાખીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરવાનગી લેવાની હોય છે. જેમાં સામાન્ય કિસ્સામાં પોલીસ તમામ ડોક્યુમેન્ટ પ્રમાણિત હોય તો કોઇ વાંધા વિના પરવાનગી આપે છે અને મોટાભાગના વેપારી તેમજ સેલના આયોજકો આ નિયમને અનુસરે છે. પરંતુ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કેટલાંક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સેલ કમ એક્ઝીબીશનની પરમીશન આપવામાં તોડબાજી કે સેટીંગ કરી રહ્યા છે. જેમાં આયોજકો પાસે દસ્તાવેજો પુરા હોવા છતાંય, કાયદાકીય ગુચવાડા ઉભા કરીને કે ચાલુ એક્ઝીબીશન-સેલમાં તેમના મળતિયાઓને મોકલીને કોઇપણ રીતે ધંધામાં ખલેલ પહોંચાડીને નાણાં વસુલવાનું કે તેમના લાગતા વળગતા લોકોને ફાયદો કરાવવા માટેનું કામ કરે છે.
આ મામલે પોલીસ અધિકારીઓને તેમના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાયદાની મર્યાદામાં રહીને વેપારીઓને પરેશાન ન કરવા માટે સુચના આપી હોવા છતાંય, કેટલાંક પોલીસ અધિકારીઓ તેમના સિનિયરના આદેશને પણ ઘોળી પી ગયા હોય તેમ પરમીશન આપતાની સાથે જ વેપારીને ડરાવીને રાખે છે. આ સમગ્ર મામલો ખુદ પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. ત્યારે તેમણે પણ કડક શબ્દોમાં સુચના આપી હતી કે સ્થાનિક પોલીસ તેમની મર્યાદામાં રહે પરતુ, ત્યારબાદ પણ હજુ પણ કેટલાંક વેપારી અને આયોજકો પાસેથી તોડબાજીના નામે બે લાખ સુધીની રકમ ઉઘરાવાની ભય ઉભો કરે છે. જેના કારણે વેપારીઓ હવે સેલ કે એક્ઝીબીશન શરૂ કરતા ડરે છે.
તો કેટલાંક મળતિયાઓની પોલીસ અધિકારીઓ સાથે સીધી સાંઠગાંઠ હોવાથી પરમીશન વિના જ સેલ-એક્ઝીબીશન શરૂ કરવાની છુટ આપે છે. આ માટે સીઝન પ્રમાણે બે લાખ સુધીની રકમ પણ નક્કી હોય છે.આમ, પોલીસ દ્વારા સત્તાનો દુરઉપયોગ કરીને વેપારીઓને પરેશાન કરવાના કિસ્સા વધવા છતાંય, ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી થતી નથી.








