Get The App

યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરનાર યુવકની અંતે ધરપકડ

મેઘાણીનગરમાં રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી

અગાઉ મેઘાણીનગર પોલીસે ધરપકડ કરવાને બદલે સામેથી હાજર કરવાનું કહીને કોઇ કાર્યવાહી કરી નહોતી

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
યુવતીને લગ્નની લાલચ આપીને   દુષ્કર્મ કરનાર યુવકની અંતે ધરપકડ 1 - image

અમદાવાદ,શુક્રવાર

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી  યુવતીને પ્રપોઝ કરીને લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચરીને યુવકે  લગ્ન કરવાની ના કહીને તેની સાથે સંબધ તોડયો હતો. એટલુ જ નહી યુવતી ન્યાય મેળવવા માટે યુવકના પરિવારજનોને મળવા માટે ગઇ ત્યારે યુવકે તેેને માર મારીને ઘરેથી કાઢી મુકી હતી. આ કેસમાં મેઘાણીનગર પોલીસે છેવટે ધરપકડ કરી હતી.

શહેરના મેઘાણીનગરમાં રહેતી સોનલ ( નામ બદલેલ છે) નામની યુવતી મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે બે વર્ષ પહેલા સોનલની ઓળખાણ ચુવાણનગર  સોસાયટી-૨માં રહેતા વસંતભાઇ ચૌહાણ સાથે થઇ હતી.  તેમણે સોનલને નોકરી અપાવવાની વાત કરીને મોબાઇલ નંબર આપ્યો હતો.  જેથી બીજા દિવસે યુવતીએ ફોન કર્યો હતો.પણ  ફોન વસંતભાઇએ નહી પણ તેમના દીકરા કૃણાલે ઉપાડયો હતો અને થોડીવારમાં તેના પિતા કોલ કરશે તેમ કહ્યુ હતુ. જો કે વસંતભાઇનો ફોન આવ્યો નહોતો. પરંતુ, બીજા દિવસે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે ફોન કરનારે પોતાની ઓળખ વસંતભાઇના પુત્ર કૃણાલ તરીકે આપી હતી. બાદમાં તેની સોનલને વોટ્સએપથી મેસેજ કરીને મિત્રતા કરવાનું કહ્યુ હતું. જો કે યુવતીને એકવાર મળવા માટેનું કહીને  મળ્યો હતો. જ્યાં તેણે સોનલને પ્રપોઝ કર્યુ હતું. પરંતુ, કૃણાલની ઉમર નાની હોવાથી  સોનલે તેને ના કહી હતી. તેમ છતાંય, તેણે લગ્ન કરવાની ખાતરી આપીને પ્રેમ સંબધ માટે દબાણ કર્યું હતુ અને તેને કાયમ માટે સ્વીકારવાનું કહેતા સોનલને વિશ્વાસ બેઠો હતો. 

યુવતીને લગ્નની લાલચ આપીને   દુષ્કર્મ કરનાર યુવકની અંતે ધરપકડ 2 - imageપરંતુ, ત્યારબાદ યુવક તેને અલગ અલગ સ્થળે મળવા બોલાવીને શરીર સંબધની માંગણી કરતો હતો અને લગ્નનો વિશ્વાસ આવતા યુવતીએ તેની સાથે સંબધ રાખ્યા હતા. ત્યારબાદ તેણે અવારનવાર સંબધો રાખીને સોનલને સતત વિશ્વાસ અપાવ્યો હતો કે તે લગ્ન કરીને તેને સુખી રાખશે.  પરંતુ, થોડા સમય બાદ સોનલે લગ્ન માટે તેના પરિવારને મળવાનું કહેતા કૃણાલે કહ્યું હતું કે તારા અને મારા સંબધની ઘરે ખબર પડી છે અને જેથી હવે તને નહી મળુ અને આપણા લગ્ન શક્ય નથી. જેથી સોનલને આઘાત લાગ્યો હતો. જો કે  તે કૃણાલને પ્રેમ કરતી હોવાથી કૃણાલના પરિવારને મળવા ગઇ ત્યારે કૃણાલે તેને માર મારીને કાઢી મુકી હતી અને ધમકી પણ આપી હતી. આમ, કૃણાલે લગ્નની  ખાતરી આપીને તેનું શારિરીક શોષણ કરતા તેણે ન્યાય માટે મેઘાણીનગર પોલીસ મથકે  રજૂઆત કરી હતી. પરંતુ, પોલીસે કૃણાલ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી નહોતી. ત્યારે યુવતીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતા છેવટે પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં સંંડોવાયેલો આરોપી કૃણાલ  ફરિયાદ બાદ પણ તેના ઘરે આસપાસના વિસ્તારમાં ફરતો હોવા છતાંય, મેઘાણીનગર પોલીસે  તેને પકડવા માટે કાર્યવાહી કરી નહોતી. એટલું જ નહી સોના જ્યારે આ અંગે પોલીસને જાણ કરતી ત્યારે સ્થાનિક પોલીસના કેટલાંક  સ્ટાફે સોનલને કહ્યુ હતું કે આરોપી સામેથી આવી જશે. તમારે અહીયા આવવાની જરૂર નથી. જો કે આ અંગે ડીસીપી ઝોન-૪ કાનન દેસાઇને જાણ કરવામાં આવતા તેમણે આ બાબતને ગંભીરતાથી લઇને તેમના સ્ક્વોડને આ અંગે કામગીરી સોંપતા  એક જ દિવસમાં આરોપી કૃણાલની ધરપકડ કરવામાં આવી હતી.

Tags :