વાડજમાં વૃદ્ધાની હત્યા કરનાર પાડોશી સહિત બે આરોપીઓને ઝડપી લેવાયા
લૂંટના કરવા માટે વૃદ્ધાના ઘરની લાઇટની મેઇન સ્વીચ બંધ કરી હતી
ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના સ્ટાફે સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલ ટાવર લોકેશનમાં ૪૦૦થી વધુ કોલ ડીટેઇલના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ,શનિવાર
વાડજમાં ઓડના ટેકરા પાસે એક મહિના પહેલા રાતના સમયે બે શખ્સો વૃદ્ધાની હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. આ સમયે માતાના બચાવવા ગયેલા યુવકને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વાડજ પોલીસની સાથે ડીસીપી ઝોન-૧ના સ્ક્વોડ દ્વારા પણ તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે નજીકના વિસ્તારના સીસીટીવી ફુટેજ તેમજ મોબાઇલ ટાવરની રેંજમાં આવેલા ૪૦૦થી વધુ મોબાઇલ નંબરની વિગતોના આધારે હત્યાનો ભેદ ઉકેલીને બે શખ્સોની ધરપકડ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે વૃદ્ધાની હત્યા તેના જ પાડોશમાં રહેતા યુવકે લૂંટના ઇરાદે તેના મિત્ર સાથે મળીને હત્યા કરી હતી.
આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે જુના વાડજમાં આવેલા રામાપીરના મંદિર પાસે ઓડ ટેકરા પાસે રહેતા ફુલીબેન નામની વૃદ્ધાના ઘરની લાઇટ ૩૧મી મેના રોજ રાતના સમયે અચાનક બંધ થતા તે બહાર તપાસ કરવા માટે ગયા ત્યારે બે શખ્સોએ તેમને પકડીને માર માર્યો હતો. આ સમયે તેમનો પુત્ર આશીષ ઘરની બહાર આવ્યો ત્યારે તે તેની માતાના બચાવવા માટે ગયો ત્યારે એક વ્યક્તિએ છરી મારીને નીચે પાડી દીધો હતો. જ્યારે ફુલીબેનને પેટ અને ગળા પર છરીના ઘા મારીને નાસી ગયા હતા. આ સમયે આશીષે તપાસ કરતા મેઇન સ્વીચ બંધ હતી. તે ચાલુ કરીને બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફુલીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ અંગે વાડજ પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
બીજી તરફ ડીસીપી ઝોન-૧ સ્ક્વોડના પીએસઆઇ એચ બી ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ઘટના સ્થળની આસપાસના ૪૦૦થી વધુ સીસીટીવી અને મોબાઇલ ટાવરના લોકેશનમાં હત્યાના સમયે નજીકમાં રહેલા મોબાઇલ ફોન નંબર અંગે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન વૃદ્ધાના નજીકમાં રહેતો રાહુલ ઓડ નામનો યુવક શંકાના ઘેરાવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે તેની અટકાયત કરીને આકરી પુછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેને નાણાંની જરૂરિયાત હતી.
તે જાણતો હતો કે તેના ઘરની પાસે રહેતા ફુલીબેન મોટાભાગે રાતના સમયે એકલા હોય છે અને તે દાગીના પહેરવાની સાથે ઘરમાં પણ કિંમતી ચીજવસ્તુઓ રાખે છે. જેથી તેણે તેના મિત્ર પ્રદીપ ઓડ સાથે મળીને ફુલીબેનને છરી બતાવીને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે તેમના ઘરની મેઇન સ્વીચ બંધ કરી હતી. જેથી ફુલીબેન ઘરની બહાર આવ્યા ત્યારે તેમના દાગીના લૂંટવાના હતા. પરંતુ, આશીષ આવી જતા તે છરી મારીને નાસી ગયા હતા. આમ, પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલીને આરોપીઓની ધરપકડ કરી છે.