Ahmedabad News : અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા તત્વો સામે અમદાવાદ LCB ટીમે લાલ આંખ કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું વેર વાળવા માટે એક યુવકની હત્યા કરવાના ઈરાદા સાથે હથિયારો સાથે નીકળેલા બે કુખ્યાત ગુનેગારોને પોલીસે સમયસૂચકતા વાપરીને ઝડપી પાડ્યા છે. LCBની આ સફળ કામગીરીને કારણે શહેરમાં બનતી એક મોટી ગુનાહિત ઘટના અને લોહીયાળ જંગ અટકાવવામાં પોલીસને સફળતા મળી છે.
અમદાવાદમાં હત્યાનું ષડયંત્ર નિષ્ફળ
મળતી માહિતી મુજબ, આરોપીઓના નિશાના પર નિશિકાંત કુશવાહા નામનો વ્યક્તિ હતો. નિશિકાંત કુશવાહા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહે છે અને સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલો છે. આશરે એક મહિના અગાઉ આરોપીઓ સાથે કોઈ કારણસર નિશિકાંતનો ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે, આરોપીઓએ નિશિકાંતને રસ્તામાંથી હટાવવાનું નક્કી કરી લીધું હતું. નિશિકાંત પોતાની કામમાં વ્યસ્ત હતો, ત્યારે તેને અણસાર પણ નહોતો કે તેની હત્યા માટે ઘાતક કાવતરું રચાઈ રહ્યું છે.

હત્યાને અંજામ આપવા નીકળેલા બે શખસોની ધરપકડ
મળતી માહિતી મુજબ, ગત 4 જાન્યુઆરી, 2026ના રોજ LCBની ટીમને બાતમી મળી હતી કે બે શખસો ઘાતક હથિયારો સાથે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને સંદીપ રજાવત ઉર્ફે છોટેસિંહ અને આયુષ યાદવ નામના બે શખસોની ધરપકડ કરી હતી.
આરોપી પાસેથી તમંચો, કારતુસ અને ધારદાર હથિયાર ઝડપાયા
આરોપીની તલાશી લેતાં પોલીસને તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 જીવતા કારતુસ અને એક અત્યંત ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું. આ બંને આરોપીઓ અગાઉ પણ રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, નિશિકાંત કુશવાહા સાથે થયેલા જૂના ઝઘડાનો બદલો લેવા માટે આ બંને રીઢા ગુનેગારો બદલો લેવાના હતા. તેઓએ નિશિકાંતની હત્યા કરવાનું આયોજન કરી લીધું હતું અને હથિયારો સાથે તેના પર હુમલો કરવા નીકળ્યા જ હતા, પરંતુ તે પહેલા જ LCBની ટીમે ઓપરેશન પાર પાડી તેમને ઝડપી લીધા હતા.
DCPએ શું કહ્યું?
સમગ્ર મામલે ઝોન 5 DCPએ જણાવ્યું હતું કે, હાલ બંને આરોપી વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ગેરકાયદેસર હથિયારો આરોપીને કોણે પૂરા પાડ્યા હતા.


