કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા
ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાને કારને રોકી હતી
પકવાન ચાર રસ્તા તરફથી વાન આવી રહી હતીઃ કારમાં મળી આવેલી નંબર પ્લેટને આધારે પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ,બુધવાર
શહેરના એસ જી હાઇવે પર પોલીસે વાહનચેકિંગ દરમિયાન ઇસ્કોનથી
કર્ણાવતી ક્લબ રસ્તા પર નંબર પ્લેટ વિનાની એક કારનો પીછો કરતા કારચાલક અને તેની
સાથે રહેલો અન્ય વ્યક્તિ ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા પોલીસને કારમાંથી વિદેશી દારૂ
અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદ ડીસીપી ટ્રાફિકનો સ્ટાફ મંગળવારે રાતના સમયે વાહનચેકિંગ ડ્રાઇવમાં હતા ત્યારે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન તરફ જતા સમયે બ્રીજ સ્ટાફે એક ઇકો વાન જોઇ હતી. જેની નંબર પ્લેટ નહોતી. જેથી વાન ચાલકને રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ, વાનચાલકે સ્પીડ વધારી દીધી હતી અને કર્ણાવતી ક્લબ પાસે વાનને રોકીને બંને અંધારામાં નાસી ગયા હતા. પોલીસે તપાસ કરતા વાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા અંદરથી નંબર પ્લેટ પણ મળી આવી હતી. જેથી પોલીસે નંબર પ્લેટ અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં આ કાર સુરેન્દ્રનગર પાર્સિગની હતી અને કંટીગ કરાવીને દારૂ લઇને આવ્યો હતો.