અમદાવાદ,શુક્રવાર
કેનેડા અને ઓસ્ટ્રેલિયા વિઝાનું કામ કરતા અને બોપલમાં ઓફિસ ધરાવતા ઇમીગ્રેશન કન્સલ્ટન્ટ અને તેમના ક્લાઇટ સાથે નડિયાદમાં રહેતા એક એજન્ટે આબાદ છેતરપિંડી કરીને રૂપિયા ૨.૦૨ કરોડની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. એજન્ટે વિવિધ પ્રોસેસના નાણાં પડાવીને બનાવટી વિઝા લેટર, એર ટિકિટ પણ આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સાઉથ બોપલમાં આવેલા આરોહી ક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા નમન જોષી વકીલ બ્રીજ બોપલ પાસે ઇમીગ્રેશનની ઓફિસ ધરાવીને વિઝાનો વ્યવસાય કરે છે. આ કામ માટે તે તેમના ગ્રાહકોને ઝડપથી સેવા મળે તે માટે અલગ અલગ એજન્ટો સાથે કરાર કરે છે. બે વર્ષ પહેલા તેમનો પરિચય જલ્પેશ ઠક્કર (રહે.જયશ્રીનગર, પેટલાદ રોડ, નડિયાદ) નામના એજન્ટ સાથે થયો હતો. જલ્પેશ ઠક્કર એજન્ટ તરીકે કરતો હોવાથી તેણે નમન જોષી સાથે કામ શરૂ કર્યું હતું.
નમન જોષીએ તેને ઓસ્ટ્ેલિયા અને કેનેડાના વર્ક વિઝા માટે ૨૫ જેટલા ક્લાઇન્ટની ફાઇલ આપીને તબક્કાવાર કુલ મળીને ૨.૦૨ કરોડની રકમ પણ આપી હતી. જેની સામે જલ્પેશે રીસીપ્ટ આપી હતી.
ત્યારબાદ જલ્પેશે ક્લાઇન્ટની વિઝા મંજૂરના ડોક્યુમેન્ટ, એક ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટ આપ્યા હતા. પરંતુ, તપાસ કરતા તમામ ડોક્યુમેન્ટ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે નમન જોષીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વિઝા કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


