ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા
મસ્કતથી આવેલા વ્યક્તિને પોલીસનો કડવો અનુભવ
વૈષ્ણોદેવી સર્કલ જતા ટોલનાકા પાસેની ઘટનાઃ ચાંદખેડા પોલીસે ચાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો
અમદાવાદ,રવિવાર
નિકોલ રીંગ રોડ પર મુંબઇના વેપારીને રોકીને સાડા ચાર લાખ રૂપિયાનોે તોડ કર્યાની તપાસ હજુ ચાલી રહી છે. ત્યારે એસ પી રીંગ રોડ વૈષ્ણોદેવી જતા ટોલનાકા પાસે પોલીસે મસ્કતથી ભૂજ જતા વ્યક્તિ કેસમાં ફસાવવાની ધમકી આપીને લીકરની બે બોટલો અને ૨૦ હજારની રોકડ પડાવી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે હાલ ઓમાન મસ્કતમાં રહેતા પંકજ ભાટિયા મુળ આદિપુરમાં આવેલા ઓમ રેસીડેન્સીના વતની છે. ગત ૧૭મી સપ્ટેમ્બરના રોજ રાતના સાડા અગીયાર વાગે મસ્કતથી મુંબઇ આવ્યા હતા. ત્યાં આવતા પહેલા તેમણે મસ્કત ડયુટી ફ્રી સ્ટોરમાંથી લિકરની બે બોટલો લીધી હતી. ત્યાંથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં બેસીને પંકજભાઇ અમદાવાદ આવ્યા હતા.
ત્યાંથી તેમના મામાના દીકરાની કારમાંથી એસ પી રીંગ રોડથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા પહેલા ટોલનાકુ ક્રોસ કરતા હતા. ત્યારે બે પોલીસ ડ્રેસ પહેરેલા અને અન્ય બે વ્યક્તિઓએ તેમની કારને રોકીને જાણ્યું હતું કે પંકજભાઇ મસ્કતથી આવે છે અને સામાન તપાસીને લીકરની બે બોટલો જમા લીધી હતી. બાદમાં તેમને પાસપોર્ટ જપ્ત કરીને કેસમાં ફસાવવાની ધમકી આપીને પતાવટ માટે દોઢ લાખ માંગ્યા હતા. બાદમાં ૨૦ હજાર રૂપિયા અને લીકરની બંને બોટલો પડાવી લીધી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.