નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી
નવરાત્રી દરમિયાન ૧૧ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે
મોટા આયોજકોએ પ્લોટમાં ચાર વોચ ટાવર રાખવા ફરજિયાતઃ હોટલો, ફાર્મ હાઉસમાં સરપ્રાઇઝ ચેંકિંગ કરવા ખાસ ટીમની રચના કરવામાં આવી
અમદાવાદ,રવિવાર
નવરાત્રીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય સ્ટાફ મળીને ૧૧ હજાર ઉપરાંત, પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. જેમાં સી ટીમ દ્વારા ખાનગી કપડામાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, નવરાત્રીના આયોજકો માટે વિશેષ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં મોટા આયોજકોએ પ્લોટમાં વોચ ટાવર મુકવા તેમજ ખાનગી સિક્યોરીટી પુરતા પ્રમાણમાં ગોઠવવા માટચ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ફાર્મ હાઉસ અને હોટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે.
નવરાત્રી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું છે. જે અંગે માહિતી આપતા પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી રીમા મુનશીએ જણાવ્યું કે નવરાત્રી દરમિયાન ૧૧ હજારથી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે. જેમાં ૧૫ ડીસીપી, ૩૦ એસીપી, ૧૬૦ પોલીસ ઇન્સ્પેક્ટર, પાંચ હજાર પોલીસ કર્મચારી અને ચાર હજાર હોમ ગાર્ડસ, એસઆરપીની ત્રણ કંપની, ૪૯ સી ટીમ અને ૧૫૩ જેટલી પીસીઆર વાનનો સ્ટાફનો સમાવેશ થાય છે. સી ટીમના નવરાત્રીમાં ખાનગી કપડામાં અલગ અલગ સ્થળો પર વોચ રાખીને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરાશે. તેમજ ટ્રાફિક પોલીસને કાળા કાચ વાળી કારના ચાલકો વિરૂદ્ધ વાહન જપ્ત કરવા સુધીની તેમજ રેસ લગાવતા વાહનોના ચાલકો સામે ગુનો નોંધવા માટે તાકીદ કરાઇ છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ડાર્ક સ્પોટ પણ અલગ તારવ્યા છે. જ્યાં સતત પેટ્રોલીંગ કરવામાં આવશે તેમજ હોટલ અને ફાર્મ હાઉસમા પણ સરપ્રાઇઝ ચેકિંગ થશે. શહેરમાં ગરબાના આયોજન માટે કુલ ૮૪ જેટલી અરજીઓ આવી છે. જેમાં જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજોના આધારે રવિવારે સાંજ સુધી ૨૯ આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય આયોજકોના દસ્તાવેજોની ચકાસણી બાદ પરવાનગી આપવામાં આવશે.
નવરાત્રીના આયોજકો માટે પોલીસે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં મોટા આયોજકોએ ગ્રાઉન્ડમાં ચારેય ખુણે વોચ ટાવર તૈયાર કરીને ત્યાંથી દરરોજનું શુંટીગ કરવાનું રહેશે. તેમજ પુરતા પ્રમાણમાં ખાનગી સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવાના રહેશે. તેમજ ગ્રાઉન્ડમાં કોઇ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે દાદાગીરી કરે તો તેને ઝડપીને સ્થાનિક પોલીસને સોંપી દેવા માટે સુચના અપાઇ છે. આ ઉપરાંત, અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ફાર્મ હાઉસ અને અન્ય આયોજન અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા અંગે આયોજન કરાયા છે.