હાઇકોર્ટની કડક સૂચના બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી શરુ
Ahmedabad Police: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે અપાયેલી સૂચના બાદ અમદાવાદ પોલીસ સક્રિય બની છે. હાઇકોર્ટની તાકીદને પગલે, અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારના વાહનો જપ્ત કરવા સુધીના પગલાં ભરવા હાઇકોર્ટે તાકીદ કરી છે.
આ ઉપરાંત, એક સપ્તાહ સુધી ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અમદાવાદના એસજી હાઇવે પર રોંગ સાઇડમાંથી આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને દંડ ફટકારવાનું શરુ કર્યું છે.
રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓના વાહન જપ્ત કરવામાં આવે
હાઇકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક વાહન જપ્ત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કડક અમલવારી, પિક અવર્સમાં ભારે વાહનો પર પ્રતિબંધ
કોર્ટે સરકાર અને પોલીસ તંત્રને ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરાવવાની ફરજ યાદ અપાવી છે. આગામી એક સપ્તાહ સુધી પોલીસને સઘન ઝુંબેશ ચલાવવા અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી લેવામાં આવી છે. શહેરના પિક અવર્સ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પરના પ્રતિબંધનો સખત અમલ કરાવવા પણ હાઇકોર્ટે સૂચન કર્યું છે.
અમદાવાદના નાગરિકોમાં ઉદાસીનતા, ગેરકાયદેસર પાર્કિંગ
હાઇકોર્ટે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમદાવાદીઓમાં સેલ્ફ રેગ્યુલેશન જાળવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. જજીસ બંગલો, પકવાન ચાર રસ્તા જેવા વિસ્તારોમાં જોવા મળતા ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે પણ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટમાં બિસ્માર રોડ-રસ્તા અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા મુદ્દાઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
પોલીસનો જવાબ અને આગામી સુનાવણી
ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં જાન્યુઆરી મહિનામાં રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1129 FIR નોંધાયા હોવાનું અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજારથી વધુ ચલણ આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટમાં હાથ ધરાશે. હાઇકોર્ટના આ કડક સૂચનો બાદ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રાફિક નિયમભંગ કરનારાઓએ હવે ચેતી જવાની જરૂર છે.