Gujarat

રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પર ૨૪ હજાર સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત

By GS TEAM
26 Jun 20252 mins read
રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પર ૨૪ હજાર સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત

અમદાવાદ,ગુરૂવાર

શહેરમાં ભગવાન જગન્નાથજીના ૧૪૮મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિના વિધ્ને નીકળે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. ૧૬ કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટ પર તેમજ કાયદો-વ્યવસ્થા માટે ૨૪ હજારથી વઘુ સુરક્ષા કર્મીઓને ગુરૂવારે સવારથી કામગીરી સોંપી દેવામાં આવી છે. સુરક્ષા કર્મીઓમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ, પેરામીલેટરી ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશમાં પ્રથમવાર એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટની કામગીરી કરશે. તેમજ ડ્રોન, જીપીએસ સહિતની ટેકનોલોજીનો પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં આજે  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ આજે ૧૪૮મી રથયાત્રા રૂપે નગરચર્યાએ નીકળશે.  આ રથયાત્રા સમગ્ર દેશની સૌથી લાંબા રૂટની રથયાત્રા છે અને તે વિના વિધ્ને પસાર થાય તે માટે અમદાવાદ  પોલીસે અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સની સાથે કુલ ૨૪ હજાર જેટલા સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. પોલીસે સૌ પ્રથમવાર એઆઇ ટેકનોલોજીથી સજ્જ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવાની સાથે ફાયર એલર્ટ પણ આપશે. આ ઉપરાંત, પાંચ હજારથી વધારે બોડીવોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસના સાધનોની મદદ પણ લેવામાં આવશે. 

ગુરૂવારે બપોરથી જ પોલીસ અને સુરક્ષા કર્મીઓને બંદોબસ્ત સોંપી દેવામાં આવ્યો છે જે શુક્રવારે રાત્રે ત્રણેય રથ નીજમંદિરે પરત ફરે ત્યાં સુધી યથાવત રહેશે. ૧૬ કિલોમીટર લાંબી રથયાત્રામાં રથ, અખાડા, ભજન મંડળી અને ટ્રક તેના નિયત સમય સાથે રૂટ પર ચાલે તે માટે ક્રાઇમબ્રાંચે ૪૫૦૦ જેટલા પોલીસ કર્મીઓનો મુવીંગ બદોબસ્ત ગોઠવ્યો છે. આ ઉપરાંત, રથયાત્રાને કારણે તેના રૂટની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક વિભાગના એક હજાર કર્મચારીઓ ૨૩ જેટલી ક્રેન અને અન્ય સાધનો સાથે તૈનાત રહેશે. આ ઉપરાંત, ૩૨૦૦ જેટલા સીસીટીવી કેમેરા, ૭૫ ડ્રોનથી લાઇવ ફીડ મેળવીને પોલીસ કંટ્રોલ રૂમ પર નજર રખાશે. પોલીસે ટેરેસ બંદોબસ્ત માટે ૨૪૦ ધાબા પોઇન્ટ, ૨૫ વોચ ટાવરની વ્યવસ્થા કરી છે. યાત્રા દરમિયાન કોઇને મુશ્કેલી ન પડે તે માટે ૧૭ જન સહાયતા કેન્દ્ર, ૪૪ પબ્લીક એડ્રેસ સિસ્ટમ પણ સક્રિય કરવામાં આવી છે.