Get The App

કથિત રીતે બેદરકાર પોલીસ કર્મીની ટ્રાફિકમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાઇ

ગીતામંદિર સ્થિત ગેસ્ટ હાઉસનો વિડીયો વાયરલ થવાનો મામલો

પોલીસ કમિશનરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેસ્ટ હાઉસમાં અંગે પણ રિપોેર્ટ મંગાવ્યો

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
કથિત રીતે બેદરકાર પોલીસ કર્મીની ટ્રાફિકમાંથી કંટ્રોલ રૂમમાં બદલી કરાઇ 1 - image

અમદાવાદ,શનિવાર

શહેરના ગીતામંદિર વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવિક્રયનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થવાના મામલે પોલીસ કમિશનર કચેરી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. જે અનુસંધાનમાં  તપાસ કરતા  જાણવા મળ્યું હતું કે  ટ્રાફિક વિભાગમાં નોકરી કરતા અને કાગડાપીઠ પોલીસ માટે કામ કરતા વિજય નામના કર્મચારીની મિલીભગત હોવાની શક્યતા હતી. જે બાબતને ગંભીરતાથી લઇને શનિવારે પોલીસ કમિશનર દ્વારા વિજય નામના કર્મચારીની તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સાથેસાથે આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની પણ પુછપરછ કરવામાં આવનાર હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં અનેક ગેસ્ટ હાઉસ આવેલા છે. જેમાં બહાર આવતા ગેસ્ટની સાથે ચોક્કસ એજન્ટો દ્વારા બહારથી યુવતીઓને લાવીને દેહ વિક્રયનો ગોરખધંધો ચલાવવામાં આવતો હોવાની આશેકા હતી.. આ વાતની સાબિતી આપતો એક કથિત વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં હોટલ શ્રી બાલાજી ગેસ્ટ હાઉસમાં દલાલ ગ્રાહકને ખાતરી આપે છે કે સૌથી સારી સર્વિસ મળી રહેશે અને પોલીસનો ડર પણ નથી. આ વિડીયો વાયરલ થવાની સાથે રાણીપ પોલીસ સ્ટેશનની હદમાંથી કંટોડિયા વાસની પાંચ મહિલા બુટલેગર પણ વિદેશી દારૂ સાથે ઝડપાઇ હતી. આમ, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા વધુ એક ગોરખધંધાની વાત પણ બહાર આવી હતી. 

ત્યારે પોલીસ કમિશનર કચેરી તરફથી આ મામલે તપાસ કરવાનો હુકમ કરાયો હતો. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના માટે કામ કરતા વિજય નામના કર્મચારીની સક્રિય સંડોવણી સામે હોવાનું પણ જાણવા મળ્યું હતું.  તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વિજય નામનો કર્મચારીની ટ્રાફિક વિભાગમાં નોકરી કરતો હતો. પરંતુ, તે ટ્રાફિકમાં નોકરી કરવાના બદલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના અધિકારી માટે પોલીસ સ્ટેશનની કામગીરી સંભાળતો હતો. પરંતુ, પોલીસ વિભાગની બદનામી થતા પોલીસ કમિશનરે શનિવારે તેની બદલી શાહીબાગ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. જેમાં તેને તાત્કાલિક હાજર થવાની સુચના પણ આપવામાં આવી હતી. સાથેસાથે પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીને સુચના આવવામં આવી છે કે વિજય નામના કર્મચારીને તેના નિયત સમય મુજબ પોલીસ કંટ્રોલ રૂમમાં નોકરી કરવાની રહેશે.  આ ઉપરાંત, ્અન્ય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Tags :