Get The App

અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ: 31 ડિસેમ્બરે રાત થતાં જ પકવાન ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ, FSLની ટીમ પણ જોડાઈ 1 - image


અમદાવાદ પોલીસનું ચેકિંગ

Ahmedabad News: 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના વ્યસ્ત એવા પકવાન ચાર રસ્તા પાસે SOG ક્રાઈમ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીમાં FSLની ટીમ પણ જોડાઈ છે. કુલ 3 જેટલી FSL મોબાઈલ ફોરેન્સિક વાન ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે, જે શંકાસ્પદ લોકોની સ્થળ પર જ તપાસ કરી રહી છે. SOG ક્રાઈમના PI ડી.પી. ઉનડકટના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સલાઇવા કીટથી ચેકિંગ

આ વખતનું ચેકિંગ અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવી રહ્યું છે. નશાકારક પદાર્થોનું સેવન કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ સલાઇવા કીટનો ઉપયોગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિએ MD, ડ્રગ્સ, ગાંજો કે અન્ય કોઈ પણ પ્રતિબંધિત નશાકારક પદાર્થનું સેવન કર્યું હશે, તો આ કીટ દ્વારા માત્ર 5 મિનિટમાં જ તેનું રિઝલ્ટ આવી જશે. આ ટેકનોલોજીના કારણે હવે નશો કરનાર તત્વો પોલીસની નજરમાંથી બચી શકશે નહીં.

નશાની હાલતમાં પકડાશે તો કાયદેસર કડક કાર્યવાહી થશે

નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરો પર લગામ કસાય તે હેતુથી આ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે લોકો નશાની હાલતમાં પકડાશે અથવા જેમનો સલાઇવા ટેસ્ટ પોઝિટિવ આવશે, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પકવાન ચાર રસ્તા પર આવતા-જતા દરેક શંકાસ્પદ વાહનચાલકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ શકે.