નવરાત્રિના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે
Navratri 2025: નવરાત્રિના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય સ્ટાફ મળીને 11 હજાર ઉપરાંત, પોલીસ સ્ટાફ તહેનાત રહેશે. જેમાં સી ટીમ દ્વારા સિવિલ ડ્રેસમાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિના આયોજકો માટે વિશેષ ગાઈડલાઇન જાહેર કરાઈ છે. જેમાં મોટા આયોજકોએ પ્લોટમાં વોચ ટાવર મુકવા તેમજ ખાનગી સિક્યુરિટી પુરતા પ્રમાણમાં ગોઠવવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફાર્મ હાઉસ અને હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.
મોટા આયોજકોએ પ્લોટમાં ચાર વોચ ટાવર રાખવા ફરજિયાત
નવરાત્રિ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું છે. જે અંગે માહિતી આપતા પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી રીમા મુનશીના જણાવ્યાનુસાર, નવરાત્રિ દરમિયાન 11 હજારથી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે. જેમાં 15 ડીસીપી, 30 એસીપી, 160 પોલીસ ઈન્સ્પેક્ટર, 5 હજાર પોલીસ કર્મચારી અને 4 હજાર હોમ ગાર્ડસ, એસઆરપીની ત્રણ કંપની, 49 સી ટીમ અને 153 જેટલી પીસીઆર વાનનો સ્ટાફનો સમાવેશ થાય છે. સી ટીમના નવરાત્રીમાં સિવિલ ડ્રેસમાં અલગ અલગ સ્થળો પર વોચ રાખીને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરાશે. તેમજ ટ્રાફિક પોલીસને કાળા કાચ વાળા વાહનો જપ્ત કરવા સુધીની તેમજ રેસ લગાવતા વાહનોના ચાલકો સામે ગુનો નોંધવા માટે તાકીદ કરાઈ છે.
પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ડાર્ક સ્પોટ પણ અલગ તારવ્યા છે. જ્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ હોટલ અને ફાર્મ હાઉસમા પણ સરપ્રાઇઝ ચેકિંગ થશે. શહેરમાં ગરબાના આયોજન માટે કુલ 84 જેટલી અરજીઓ આવી છે. જેમાં જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજોના આધારે રવિવારે સાંજ સુધી 29 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય આયોજકોના દસ્તાવેજોની ચકાસણી બાદ પરવાનગી આપવામાં આવશે.
નવરાત્રિના આયોજકો માટે પોલીસે ખાસ ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં મોટા આયોજકોએ ગ્રાઉન્ડમાં ચારેય ખૂણે વોચ ટાવર તૈયાર કરીને ત્યાંથી દરરોજનું શૂટિંગ કરવાનું રહેશે. તેમજ પુરતા પ્રમાણમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવાના રહેશે. તેમજ ગ્રાઉન્ડમાં કોઇ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે દાદાગીરી કરે તો તેને ઝડપીને સ્થાનિક પોલીસને સોંપી દેવા માટે સૂચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ફાર્મ હાઉસ અને અન્ય આયોજન અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા અંગે આયોજન કરાયા છે.