અમદાવાદ પ્લેન ક્રેશ: સોજીત્રામાં દાદાનો પાર્થિવ દેહ જોઇ પૌત્ર ચોધાર આંસુએ રડ્યો, આખું ગામ હિબકે ચડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash : અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂને તૂટી પડતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના સોજીત્રા સહિત સમગ્ર ચરોતર પ્રદેશના 50 નિર્દોષ લોકો પણ કાળનો કોળિયો બન્યા હતા. DNA મેચ થયા બાદ મૃતકોના મૃતદેહ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજે (18 જૂન) સોજીત્રાના નીલકંઠભાઈ ચંદુભાઈ પટેલનો DNA મેચ થતા તેમનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો, જે ગામમાં પહોંચતા જ આખું ગામ શોકસાગરમાં ડૂબી ગયું હતું.
એમ્બ્યુલન્સ જોઈને પરિવારજનોનું આક્રંદ
મૂળ સોજીત્રાના વતની અને છેલ્લા ઘણા વર્ષોથી લંડન સ્થાયી થયેલા નીલકંઠભાઈ પટેલનો પાર્થિવ દેહ આજે સવારે 11 વાગ્યે ખાસ એમ્બ્યુલન્સમાં સોજીત્રા લાવવામાં આવ્યો હતો. લંડનથી આવેલા તેમના પરિવારજનો આતુરતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા હતા. જેવી એમ્બ્યુલન્સ ગામના ફતેહ પોળમાં આવેલા તેમના ઘર પાસે ઊભી રહી, પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું.

દાતાની વિદાયથી ગ્રામજનોમાં શોકનું મોજું
નીલકંઠભાઈના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આણંદના સાંસદ, ઉચ્ચ અધિકારીઓ સહિતના અગ્રણીઓએ અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી અને શોકાતુર પરિવારને સાંત્વના આપી હતી. બપોરે એક વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી, જેમાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. નીલકંઠભાઈએ સોજીત્રા માટે અનેક સેવાભાવી કાર્યો કર્યા હોવાથી લોકોએ તેમને ભારે હૃદયે વસમી વિદાય આપી હતી.

દાદાને વિદાય આપતા પૌત્ર ચોધાર આંસુએ રડ્યો
ઘટના સમયે નીલકંઠભાઈનો પરિવાર લંડનમાં હતો, જેથી તેઓ તાત્કાલિક આવી શક્યા ન હતા. નીલકંઠભાઈના અમદાવાદ રહેતા બહેને DNA ટેસ્ટ માટે બ્લડ આપ્યું હતું, જેનો રિપોર્ટ આજે સવારે આવતા જ પરિવારને ફોન દ્વારા જાણ કરવામાં આવી. બે દિવસ પહેલા લંડનથી તેમનો પરિવાર – તેમના પત્ની, એક દીકરો અને બે પૌત્રો પણ આવી પહોંચ્યા હતા. તેમણે ભારે હૃદયે નીલકંઠભાઈને અંતિમ વિદાય આપી. ખાસ કરીને નાના પૌત્રો દાદાને ગુમાવ્યાના આઘાતમાં ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE : 202 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, 158ના મૃતદેહ સોંપાયા
તારીખ બદલાવવાનો અફસોસ
મળતી માહિતી મુજબ, નીલકંઠભાઈ તેમના એક પિતરાઈ ભાઈની ખબર જોવા માટે લંડનથી વતન આવ્યા હતા. પરંતુ થોડા સમયમાં લંડન રહેતા તેમના સગા ભાઈની તબિયત લથડતા, નીલકંઠભાઈના પત્નીએ તેમને તાત્કાલિક લંડન પરત આવવા જણાવ્યું હતું. નીલકંઠભાઈ 16 જૂનની ફ્લાઈટ બુક કરાવવાના હતા, પરંતુ પરિવારના અન્ય સભ્યોએ તેમને વહેલા આવવા માટે 12 જૂનની ફ્લાઈટની ટિકિટ લેવા સૂચન કર્યું. તેમણે તે પ્રમાણે કર્યું અને કમનસીબે 12 જૂને થયેલા પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું. આ એક નિર્ણયનો અફસોસ જીવનભર પરિવારને સતાવશે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સોજીત્રાએ ચાર સ્વજનો ગુમાવ્યા
અમદાવાદમાં થયેલા ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આણંદ જિલ્લાના સોજીત્રા ગામને ભારે ખોટ પડી છે. આ કરુણ ઘટનામાં સોજીત્રાના કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નીલકંઠભાઈ ચંદુભાઈ પટેલ અને ભવનેશ નલીનભાઈ પટેલ ઉપરાંત ગામની બે સગી બહેનોનો પણ સમાવેશ થાય છે.
સોજીત્રાની બે સગી બહેનોના કરુણ મોત
મૃતક બહેનોમાં ભાવનાબેન રાણાનો સમાવેશ થાય છે, જેઓ મૂળ સોજીત્રાના વતની હતા અને હાલ કરમસદ ખાતે રહેતા હતા. તેઓ કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાળકોના ICU વોર્ડના ઇન્ચાર્જ તરીકે સેવા આપતા હતા. તેમની સાથે તેમના મોટા બહેન આનંદીબેન રાણા, જેઓ હાલ વડોદરા ખાતે રહેતા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં નિધન થયું હતું. આ ઘટનાએ બંને પરિવારો અને સમગ્ર સોજીત્રા ગામમાં શોકની ગમગીની છવાવી દીધી છે.








