અમદાવાદ વિમાન ક્રેશ : બન્ને એન્જિન ફેલ થયાની શંકા, સીન રિક્રિએટ થયો
- મુંબઇમાં પાયલટોએ ક્રેશની તમામ શક્યતાઓની ચકાસણી કરી
- પાયલટોએ એક એન્જિન પર વિમાન ઉડાવી જોયું, વિંગ ફ્લેપ બંધ કરી જોયા છતા ઉડાનમાં ખાસ અસર ના થઇ
- વિમાન 400 ફૂટ કરતા ઓછી ઉંચાઇ પર હોય ત્યારે બન્ને એન્જિન ફેલ થાય તો શું કરવું તેની કોઇ વિશેષ તાલિમ નથી અપાતી
- પાયલટ દ્વારા ભુલથી એન્જિન બંધ કરી દેવાયાની પણ શક્યતા, આગામી સપ્તાહે પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થઇ શકે
મુંબઇ/નવી દિલ્હી : અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જે પાછળનું કારણ હજુસુધી અકબંધ છે. એવામાં આ બોઇંગ વિમાન ખરેખર ક્યા કારણોસર ક્રેશ થયું હશે તેનું અનુમાન લગાવવા માટે આખો સીન પાયલટો દ્વારા રિક્રિએટ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું છે કે બન્ને એન્જિન બંધ થઇ જવા કે અન્ય કોઇ ટેક્નીકલ ખામી વિમાન ક્રેશ થવાનું મુખ્ય કારણ હોઇ શકે છે. સીન રિક્રેએટ વખતે પાયલટોએ આ તમામ એંગલોથી તપાસ કરી હતી. આ સમગ્ર પ્રક્રિયા મુંબઇમાં હાથ ધરવામાં આવી હતી.
સીન રિક્રિએશન દરમિયાન એ શક્યતાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી કે શું ખરેખર પાયલટો દ્વારા ભુલથી વિમાનના એન્જિન બંધ કરી દેવામાં આવ્યા હતા કે કેમ. મુંબઇમાં એર ઇન્ડિયાના ત્રણ પાયલટો દ્વારા સમગ્ર સીન રિક્રેએટ કર્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું તેમાં ઇલેક્ટ્રિકલ ફેલ્યોરને સમજવાનો પ્રયાસ પણ થયો હતો, ઇલેક્ટ્રિકલ ફેલ્યોર દરમિયાન બન્ને એન્જિનોમાં આગ લાગવાની શક્યતાઓ પણ છે જેને કારણે વિમાન ટેકઓફ બાદ ક્લાઇંબ નથી કરી શકતું. એટલુ જ નહીં પાયલટોએ વિમાનનું એક એન્જિન ફેઇલ થાય તો શું થાય તેની પણ ચકાસણી કરી જોઇ. જેમાં અન્ડરકેરિજને નીચે છોડી દેવામાં આવ્યું અને ફ્લેપને પુરી રીતે પાછા ખેંચી લેવાયા. આ સ્થિતિને પણ ટેક ઓફ માટે બહુ જ અસુરક્ષિત માનવામાં આવે છે.
આ સમગ્ર સીન રિક્રિએશન દરમિયાન એવી ધારણા પણ લગાવવામાં આવી રહી છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું કારણ બન્ને એન્જિન બંધ થઇ જવા કે નિષ્ફળ જવા હોઇ શકે છે. સામાન્ય રીતે પાયલટોને ૪૦૦ ફૂટથી ઓછી ઉંચાઇ પર વિમાનના એન્જિન નિષ્ફળ રહે તો શું કરવું તેની કોઇ વિશેષ તાલિમ ન અપાતી હોવાના અહેવાલો છે. હાલમાં અમદાવાદ વિમાન અકસ્માતમાં મળી આવેલા ફ્લાઇટના બ્લેક બોક્સના ડેટા ડાઉનલોડ કરી લેવાયા છે. જ્યારે એરક્રાફ્ટ એક્સીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા સમગ્ર ઘટનાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ આગામી સપ્તાહે જાહેર થવાની પણ શક્યતા છે. સીન રિક્રિએશન દરમિયાન એક એન્જિન પર વિમાન ચલાવાયું, પાંખીયાના ફ્લેપ પાછા ખેંચી લેવાયા, જોકે એક એન્જિન પર પણ વિમાન યોગ્ય સ્થિતિમાં હતું. હાલ એર ઇન્ડિયા તરફથી તપાસ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.