Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કૉલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણચીસો...

By GS TEAM
11 Jun 20263 mins read
TukuTouch Logo
12મી જૂન, 2025. ગુરુવારની એ કાળમુખી બપોર... અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસે સામાન્ય ચહલપહલ હતી. અનેક પરિવારો પોતાના વ્હાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા. કોઈ લંડનમાં સ્થાયી થવાના સપનાં સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તો કોઈ વેકેશન માણવા ફ્લાઈટ પકડવાનું હતું. પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લીવાર 'આવજો' કહ્યું. એરપોર્ટથી હજુ તો પરિજનો ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં જ જાણે આભ તૂટી પડ્યું. સમાચાર મળ્યા કે, જે વિમાનમાં તેમના કાળજાના ટુકડા સવાર હતા, તે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ એક જ સમાચારે હજારો પરિવારોના હૃદયના ધબકારા બંધ કરી દીધા. બપોરે 2 વાગ્યા સુધીમાં તો હૃદયદ્રાવક મરણચીસો, આક્રંદ અને સમાચારોના કોલાહલથી આખું અમદાવાદ ધ્રુજી ઊઠ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કૉલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણચીસો...

One Year Later Ahmedabad Plane Crash: 12મી જૂન, 2025. ગુરુવારની એ કાળમુખી બપોર... અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એ દિવસે સામાન્ય ચહલપહલ હતી. અનેક પરિવારો પોતાના વ્હાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા. કોઈ લંડનમાં સ્થાયી થવાના સપનાં સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તો કોઈ વેકેશન માણવા ફ્લાઇટ પકડવાનું હતું. પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લીવાર 'આવજો' કહ્યું. ઍરપૉર્ટથી હજુ તો પરિજનો ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં જ જાણે આભ તૂટી પડ્યું. સમાચાર મળ્યા કે, જે વિમાનમાં તેમના કાળજાના ટુકડા સવાર હતા, તે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ એક જ સમાચારે હજારો પરિવારોના હૃદયના ધબકારા બંધ કરી દીધા. બપોરે 2 વાગ્યા સુધીમાં તો હૃદયદ્રાવક મરણચીસો, આક્રંદ અને સમાચારોના કોલાહલથી આખું અમદાવાદ ધ્રુજી ઊઠ્યું.


જુઓ વીડિયો:- 

AI171 crash: દીવાલો કાળી મેશ, રસ્તા સૂમસામ; અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ. 

એક વર્ષ પછી પણ પરિસરમાં ભેંકાર સન્નાટો

આ ભયાનક વિમાન દુર્ઘટનાને આજે પૂરા 12 મહિના થઈ ગયા છે, પરંતુ અસારવાની બી. જે. મેડિકલ કૉલેજની જે કેન્ટિન (મેસ) પર આ પ્લેન ખાબક્યું હતું, તેના વાતાવરણમાં આજે પણ એ ભયાનકતા અને દહેશત અનુભવાય છે. એક સમયે ભવિષ્યના ડૉક્ટરોની અવરજવરથી સતત ધમધમતું આ પરિસર આજે સૂમસામ ભાસે છે. જ્યાં વિદ્યાર્થીઓ કિલકિલાટ વચ્ચે ભોજન લેતા હતા, તે બળીને ખાક થયેલી મેસમાં આજે માત્ર ભેંકાર શાંતિ છે. મેસની બહાર ઊભેલું એ લીલુંછમ વૃક્ષ આજે પણ અડધું બળેલું ઊભું છે – જાણે એ પણ એ ભયાનક અગ્નિકાંડની મૂક સાક્ષી પૂરી રહ્યું હોય. આ અકસ્માતે માત્ર જીવ જ નથી લીધા, અનેક પરિવારોનો આશરો અને છાંયડો પણ હંમેશ માટે છીનવી લીધો છે.


260 જિંદગીઓ હોમાઈ, ક્ષણભરમાં બધું જ ખાક

અહીં બપોરે બરાબર 1:39 વાગ્યે અમદાવાદથી લંડન જવા રવાના થયેલું એર ઇન્ડિયાનું આ કમનસીબ વિમાન ટેક-ઑફ થયાની થોડી જ વારમાં તૂટી પડ્યું. વિમાન સીધું જ મેડિકલ કૉલેજની મેસ પર ખાબકતાં ક્ષણવારમાં કુલ 260 માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ. વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર મેસમાં જમી રહેલા મેડિકલના 4 તેજસ્વી વિદ્યાર્થી સહિત કુલ 19 લોકોના પણ કમકમાટીભર્યા મૃત્યુ થયા.


આજે પણ મેસના એ આગની જ્વાળાઓથી કાળા મેશ થઈ ગયેલા ઓરડા, વળી ગયેલા પંખા, પીગળી ગયેલા એસીના પતરા અને બ્લાસ્ટ થયેલા ગેસના બાટલા જોઈને પથ્થર હૃદયનો માણસની આંખમાં પણ આંસુ આવી જાય. બહાર પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનો આજેય સળગેલી હાલતમાં પોતાના માલિકોની રાહ જોતા ઊભા હોય તેમ લાગે છે. મેસના એક ઓરડાના દરવાજે મારેલું તાળું ચીસો પાડીને કહી રહ્યું છે કે, અંદર ફસાયેલા લોકોએ બચવા માટે કેવા મરણિયા પ્રયાસો કર્યા હશે!


આ પણ વાંચો: ભરૂચમાં જુમ્મા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી

સવાલોના જવાબ હજુય બાકી...

આ ભયાનક કટોકટીમાં માત્ર પ્લેનના મુસાફરો કે વિદ્યાર્થીઓ જ નહીં, ત્યાં રોજગારી મેળવતા ગરીબ કર્મચારીઓ અને બહાર ચાની લારી ચલાવતો એક નિર્દોષ યુવક પણ કાળનો કોળિયો બની ગયા. આજે આ ઘટનાને બરાબર એક વર્ષ પૂરું થયું છે. પરિવારના આંસુ સૂકાયા નથી અને કાળજું ચીરાઈ જાય તેવી પીડા હજુ એવી જ છે. દુઃખની વાત એ છે કે, ટેક્નિકલ ખામી હતી કે પાયલોટની ભૂલ? આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની ઉચ્ચ સ્તરીય તપાસના રિપોર્ટની રાહ આજે એક વર્ષ પછી પણ જોવાઈ રહી છે.