અમદાવાદ પ્લેન ક્રેશ : ડિગ્રી મળે એ પહેલા મળ્યું મોત, 4 MBBS વિદ્યાર્થીના માતા-પિતા ઘેરા આઘાતમાં
Ahmedabad London Plane Crash: બી.જે.મેડિકલમાં અભ્યાસ કરતા એમબીબીએસમાં પ્રથમ વર્ષના બે અને બીજા વર્ષના બે વિદ્યાર્થી સહિત ચાર વિદ્યાર્થી પ્લેન ક્રેશ સમયે મેસ બિલ્ડિંગમાં હોઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે માતા-પિતાએ અનેક મહેનત કરીને એમબીબીએસ ભણવા મોકલેલા સંતાનો ડૉક્ટર બને તે પહેલા-એમબીબીએસની ડિગ્રી મળે તે પહેલા મોત મળ્યુ છે. આ ચારેય વિદ્યાર્થીઓના માતા-પિતા અને પરિવારજનો ઘેરા આઘાતમાં છે અને તેઓ આજે મૃતદેહ પોત પોતાના વતન લઈ ગયા હતા. ચાર વિદ્યાર્થીમાં બે રાજસ્થાનના અને એક ભાવનગરના તળાજાનો તેમજ એક મઘ્યપ્રદેશનો છે.
રાજસ્થાનના જયપ્રકાશના પિતા ફેકટરીમાં મજૂરી કરે છે
જયપ્રકાશ ચૌધરી બી.જે.મેડિકલમાં એમબીબીએસમાં બીજા વર્ષમાં ભણતો હતો અને તેણે નીટમાં 675 માર્કસ મેળવી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવ્યો હતો. તેના પિતા ધર્મારામ ચૌધરી ફેકટરીમાં મજૂર કરે છે અને જયપ્રકાશ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોરચારણા ગામનો છે.તેને એક નાનો ભાઈ છે.જ્યારે માતા ગૃહિણી છે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા, મેડિકલ પરીક્ષા રદ
મ.પ્ર.ના આર્યન રાજપુતના પિતા ખેડુત, નેશનલ ક્વોટામાં પ્રવેશ મેળવ્યા
આર્યન રાજપુત એમબીબીએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને જેણે ઓલ ઈન્ડિયા ક્વોટામાં ગત વર્ષે પ્રવેશ લીધો હતો. મઘ્ય પ્રદેશના ગ્વાલીયર નજીક જિમ્પસોલી ગામના વતની આર્યનના પિતા ગામમાં ખેતી કરે છે અને જેન એક ભાઈ અને બહેન છે. આજે આયર્નના પરિવારજનો મૃતદેહ લઈને પોતાના વતન જવા રવાના થયા હતા.
માનવ ભાદુ નીટમાં રેન્કર, એઈમ્સમાં એડમિશન છોડી બી.જે.માં લીધું
મેડિકલના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીઓમાં માનવ ભાદુ મૂળ રાજસ્થાનના હનુમાનગઢી જિલ્લાનો છે અને ગત વર્ષે જ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ લીધો હતો.તેણે નીટમાં 720માંથી 700 માર્કસ સાથે ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો હતો. એઈમ્સમાં એડમિશન મળતું હતું છતાં પણ તેણે છોડીને બી.જે.મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો. માનવના પિતા પ્રાઈવેટ બેંકમાં મેનેજર અને માતા હાઉસવાઈફ છે તેને માત્ર એક 8 વર્ષની નાની બહેન છે.
એક દિવસ પહેલા જ વાંચવા આવેલા રાકેશનું મેસમાં મૃત્યુ
એમબીબીએસના મૃત્યુ પામેલા ચાર વિદ્યાર્થીમાં રાકેશ દિહોરા બીજા વર્ષનો વિદ્યાર્થી હતો અને તે મૂળ ભાવનગરના તળાજનો છે. અને રાકેશના પિતા ખેતી કરે છે તેમજ માતા હાઉસવાઈફ છે. રાકેશના પિતા ગોબરભાઈએ જણાવ્યું કે તે બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેને ચાર બહેનો અને એક ભાઈ છે. માતા હાઉસ વાઈફ છે. રાકેશે ધો.12નો અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો અને તેના પિતા તળાજા નજીકના એક નાના એવા સોંસિયા ગામમા ખેતી કરતા હતા. રાકેશ ચાંદખેડામાં તેના જીજાજીના ઘરે હતો પરંતુ પરીક્ષા ચાલતી હોવાથી એક દિવસ પહેલા જ વાંચવા ગયો હતો અને મેસમાં આ ઘટના બની.