Gujarat

ઘાટલોડિયાના અર્જુન રેસીડેન્સીમાં પાર્કિગમાં કારમાં બેસીને મહિલા વિશ્વ કપ ફાઇનલનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો

By GS TEAM
3 Nov 20251 min read
ઘાટલોડિયાના અર્જુન રેસીડેન્સીમાં પાર્કિગમાં કારમાં બેસીને મહિલા વિશ્વ કપ ફાઇનલનો સટ્ટો રમાડતો બુકી ઝડપાયો

અમદાવાદ, સોમવાર

શહેરના ઘાટલોડિયામાં આવેલા અર્જુન રેસીડેન્સીમાં પીસીબીએ દરોડો પાડીને મહિલા વિશ્વકપની ફાઇનલ મેચ પર કારમાં બેસીને ક્રિકેટ સટ્ટો રમાડતા બુકીને ઝડપી લીધો હતો. બુકીના ફ્લેટમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. 

ઘાટલોડિયામાં  સીપીનગર અર્જુન ટાવર રોડ પર આવેલી અર્જુન રેસીડેન્સીમાં રહેતો સુનિલ ઠક્કર નામનો બુકી મહિલા વિશ્વકપના ફાઇનલ મેચ માટે મોટા પ્રમાણમાં ક્રિકેટ સટ્ટો રમાડે છે અને પોલીસથી બચવા માટે તે એપાર્ટમેન્ટના પાર્કિગમાં ઇનોવા કારમાં સટ્ટો બુક કરી રહ્યો હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી. જેના આધારે સ્ટાફે દરોડો પાડીને પાર્કિગમાં તપાસ કરતા  કાર બેઠેલા સુનિલ ઠક્કરને ઝડપી લીધો હતો. તે મોબાઇલ ફોન પર સટ્ટા બેટિંગના આઇડીમાં લોગઇન કરીને સટ્ટો બુક કરતો હતો. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ૧૦ લાખ રૂપિયામાં માસ્ટર આઇડી ખરીદી કર્યું હતું અને તેણે અન્ય બુકીઓને પણ લોગઇન આપીને નાણાં લીધા હતા. પોલીસને તેના ઘરમાં તપાસ કરી ત્યારે બ્રાંડેડ  વિદેશી દારૂની છ બોટલો મળી આવી હતી. જે તેણે વિદેશ પ્રવાસ દરમિયાન ખરીદી કરી હતી. આ અંગે પોલીસે સટ્ટા બેટિંગ અને પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.