સાવધાન! ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Ahmedabad News : શહેરમાં સાયબર માફિયાઓ હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓ જ નહીં, પણ પરસેવો પાડીને કમાતા નાના લારી-ગલ્લાવાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. બાકરોલ સર્કલ પાસે પાણીપુરીની લારી ચલાવતા એક યુવક સાથે ડિજિટલ પેમેન્ટનું સાઉન્ડ સ્પીકર બદલવાના બહાને 45,000 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે.
પેમેન્ટ કંપનીના માણસ બનીને આવ્યા ગઠિયા
સરખેજના આઝાદનગરમાં રહેતા 20 વર્ષીય રાજેશભાઈ પટેલ બાકરોલ સર્કલ પાસે આકાશ પકોડી સેન્ટર નામની લારી ચલાવે છે. ગત 26 જાન્યુઆરીના રોજ બપોરે બે શખ્સો તેમની લારીએ આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ ઓનલાઈન પેમેન્ટ કંપનીના પ્રતિનિધિ તરીકે આપી હતી અને રાજેશભાઈને પૂછ્યું હતું કે, "તમારે નવો ક્યુઆર કોડ અને સાઉન્ડ સ્પીકર જોઈએ છે?"
ચતુરાઈથી જાણી લીધો UPI પાસવર્ડ
રાજેશભાઈનું જૂનું સ્પીકર ખરાબ હોવાથી તેમણે હા પાડી. ગઠિયાઓએ સ્પીકર એક્સચેન્જની પ્રોસેસ કરવાના બહાને રાજેશભાઈના ફોનમાંથી 1 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું. આ દરમિયાન તક જોઈને આ શખ્સોએ રાજેશભાઈનો UPI પાસવર્ડ જોઈ લીધો હતો. ત્યારબાદ અમે હમણાં નવું સ્પીકર લઈને આવીએ છીએ તેમ કહી ગઠિયાઓ ત્યાંથી નીકળી ગયા હતા.
આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો
મોબાઈલ હાથમાં લીધો અને ખેલ પાડી દીધો
સાંજે 5 વાગ્યે આ બંને શખ્સો ફરી લારી પર આવ્યા અને સ્પીકર એક્સચેન્જની વાતોમાં રાજેશભાઈને ભોળવી તેમનો મોબાઈલ ફોન હાથમાં લીધો. પાસવર્ડ અગાઉથી જ ખબર હોવાથી તેમણે રાજેશભાઈની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને કુલ 45,000 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા. પોતાનો ભાંડો ન ફૂટે તે માટે ગઠિયાઓએ અત્યંત ચાલાકી વાપરી હતી. મોબાઈલમાંથી ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. બેંકમાંથી પૈસા કપાયા હોવાના ટેક્સ્ટ મેસેજ પણ ડિલીટ કરી દીધા હતા.
હિસ્ટ્રી ચેક કરતા ભાંડો ફૂટ્યો
સાંજે 7 વાગ્યે જ્યારે રાજેશભાઈએ શંકા જતા એપ્લિકેશન ફરી ડાઉનલોડ કરી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચેક કરી, ત્યારે તેમને માલુમ પડ્યું કે તેમના ખાતામાંથી 45,000 રૂપિયા ઉપડી ગયા છે. આ મામલે રાજેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેવામાં જરૂરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિને તમારો મોબાઈલ ફોન આપશો નહીં. ભલે તે પેમેન્ટ કંપનીનો માણસ હોવાનો દાવો કરે, પરંતુ તમારા UPI પાસવર્ડ કે ફોનનો એક્સેસ આપવો જોખમી સાબિત થઈ શકે છે.








