અમદાવાદના નિકોલમાં વરસાદી પાણીનો ત્રાસ, એમ્બ્યુલન્સ પહોંચી ન શકતા એક યુવકે જીવ ગુમાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં બુધવારે રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં નિકોલના મધુમાલતી આવાસ યોજનાના મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં બે ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. ત્યારે મધુમાલતી આવાસ યોજના મકાનમાં રહેલા જીતુભાઇ પંડ્યાના ઘરમાં પણ પાણી ભરાઇ જતાં તે લપસી પડ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરતાં 108ની ટીમ દોડી આવી હતી.
જોકે ભારે વરસાદના લીધે પાણી ભરાઇ જતાં એમ્બ્યુલન્સ સોસાયટીમાં આવી શકી ન હતી. જેથી સ્થાનિકોએ જીતુભાઇને લારીમાં બેસાડી બહાર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. જોકે એમ્બ્યુલન્સ કર્મચારીએ તપાસ કરતાં તેમનું નિધન થયું હોવાની જાણ કરી હતી. આ સાંભળીને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે અમદાવાદના સામાન્ય વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતા હોવાથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરના મુખ્ય માર્ગો અને રોડ રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે. તેમછતાં તંત્રની ઉંઘ ઉડતી નથી અને વરસાદી પાણી યોગ્ય નિકાલ માટે કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી નથી.
મોડી રાત્રે વરસાદ પડવાના લીધે એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.









