અમદાવાદ: 48 વર્ષીય મહિલાએ 7માં માળેથી પડતું મૂક્યું, પોલીસને અંતિમ નોટ મળી આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મન વિચલિત કરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક 48 વર્ષીય મહિલાએ રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદીને મોત વ્હાલું કરી લીધું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ રિકવર કરી છે, જેમાં મહિલાએ પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ગણાવ્યા હોવાનું લખ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
માનસિક રીતે બીમાર હતી, 7માં માળેથી ચંપલ મળ્યા
આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PIએ મુજબ, 'વીરા તલાવડી બાજુ રહેતી આશરે 45થી 50 વર્ષની એક આધેડ ઉંમરની નીમા ઉર્ફે શર્મિલ ધ્રુવભાઈ દવે નામની મહિલાએ શુભ દર્શન ફ્લેટના સાતમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. અમને સાતમા માળેથી તેના ચંપલ પણ મળી આવ્યા છે. આ મહિલા માનસિક રીતે બીમાર હતી અને એક સુસાઈડ નોટ પણ લખીને ગઈ છે, જેમાં તેણે સ્પષ્ટ લખ્યું છે કે તેના મોત માટે તેનો પરિવાર કે પતિ કોઈ પણ જવાબદાર નથી, પણ તે કંટાળીને સુસાઈડ કરી રહી છે. હમણાં જ તેના પતિ તેના બીમારીના કેસ પેપર લઈને અહીં આવ્યા છે.'
શુભ દર્શન ફ્લેટમાં આવી જ કેમ આ પગલું ભર્યું તે અંગે તપાસ!
તેમણે વધુમાં જણાવ્યું કે, આ મહિલા ખરેખર આનંદનગરની હદમાં રહેતી હતી, તેથી તેણે અહીં શુભ દર્શન ફ્લેટમાં આવીને કેમ આપઘાત કર્યો તે અમને થોડું અઘરું લાગ્યું છે, કદાચ અહીં તેના કોઈ ઓળખીતા રહેતા હોઈ શકે. તેના પતિ આવ્યા છે એટલે અમે તેમની પૂછપરછ કરીને બાકીની વિગતો મેળવીશું. આ પરિવાર ધંધુકા બાજુના દવે બ્રાહ્મણ હોવાનું જાણવા મળ્યું છે.
સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા'નો સંપર્ક કરો
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.








