અમદાવાદ: 'તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે', વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા મારી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના સિંધુભવન રોડ પર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં કાર રેન્ટલનો વ્યવસાય કરતા કિરપાલસિંહ ગોળ પર ઘુવડ ગેંગના 15થી 20 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ભોગ બનનારનો આક્ષેપ છે કે અગાઉની માથાકૂટમાં સરખેજ પોલીસે કડક પગલાં લેવાને બદલે સમાધાન કરાવ્યું હતું, જેના કારણે બીજા દિવસે ફરીથી હુમલો થયો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ ભોગ બનનાર દ્વારા પોલીસની કામગીરી અને કલમો ઉમેરવા બાબતે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અંગે પોલીસે જણાવ્યું છે કે, ડોક્ટરના રિપોર્ટને આધારે વધુ કલમ ઉમેરીશું.
બે હોર્ન માર્યા તેમાં ઝઘડો કર્યો
ભોગ બનનાર કિરપાલસિંહ ગોળે કહ્યું કે, હું વીર કાર રેન્ટલ નામે ગાડીઓ ભાડે આપવાનો વ્યવસાય કરીને મારું ગુજરાન ચલાવું છું. ગત 13 તારીખે બપોરે બેથી અઢી વાગ્યાના અરસામાં હું અને મારા માસીનો દીકરો મહાવીરસિંહ સિંધુભવન રોડ પર આવેલા દ્વારકાધીશ ટી સ્ટોલ પર ચા પીવા ગયા હતા. ત્યાં અમારી આગળ એક ક્રેટા ગાડી પડેલી હતી. મારી પાસે થાર ગાડી હતી તેથી મેં મારા મિત્ર ધવલભાઈ રાદડિયાને હોર્ન મારવા કહ્યું જેથી પેલી ગાડી થોડી આગળ લે અને અમારી ગાડી પણ ત્યાં સમાઈ શકે. અમે ફક્ત બે હોર્ન માર્યા, ત્યાં તો એ ગાડીમાંથી 4થી 5 લોકો ધોકા લઈને નીચે ઉતર્યા. અમે ડરના માર્યા ત્યાંથી ભાગ્યા. જ્યારે અમે અમારી ઓફિસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તે લોકોએ ગુરુદ્વારા પાસે બે ગાડીઓ આડી કરી અમને રોક્યા અને ધોકા વડે હુમલો કર્યા, જેમાં મારી થાર ગાડીનો કાચ ફૂટી ગયો. અમે ત્યાંથી બચીને સીધા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પોલીસકર્મીએ અમને એવું કહીને રવાના કર્યા કે આ ઘટના તેમના વિસ્તારમાં નથી આવતી, એટલે અમારે સરખેજ પોલીસ સ્ટેશન જવું પડશે.
સરખેજ પોલીસે સમાધાન કરાવ્યું
તેમણે વધુમાં કહ્યું કે, સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસે પહેલા બંને પક્ષોની કાચી અરજી લીધી. જ્યારે મેં ગુનો દાખલ કરવાનું કહ્યું, ત્યારે પોલીસે અમને બેસાડી રાખ્યા અને પછી એવું કીધું કે તમારે સમાધાન કરી લેવું જોઈએ. પોલીસે હુમલાખોરો વિરુદ્ધ કોઈ અટકાયતી પગલાં ન લીધા અને અમારી પાસે સમાધાન કરાવ્યું ત્યારબાદ, 14 તારીખે વહેલી સવારે બેથી અઢી વાગ્યાની આસપાસ, હું અને મહાવીરસિંહ મારી ઓફિસ નીચે બાકડા પર બેઠા હતા, ત્યારે અચાનક ઘુવડ ગેંગના 15થી 20 લોકોએ તલવાર, ધોકા, પાઈપો અને છરા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે અમારા પર હુમલો કર્યો. આ હુમલામાં મને માથાના પાછળના ભાગે 7 ટાંકા, આગળ 4 ટાંકા અને પીઠના ભાગે 27થી 28 ટાંકા આવ્યા છે. મારે પગમાં ઓપરેશન કરીને પ્લેટ નાખવી પડી છે અને આંખ પર પણ ઈજા થઈ છે.
PIએ કહ્યું અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ન લાગે
તેમણે વધુમાં કહ્યું કે, 'જ્યારે અમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે PI એલ. એલ. ચાવડા મારું નિવેદન લેવા આવ્યા હતા. તેમણે એવું કહ્યું કે, આમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ન વાગે. હુમલાખોરો પણ મને મારતી વખતે કહેતા હતા કે, તારાથી થાય તે કરી લેજે, અમારે તને મારી નાખવો છે. PI પણ અમારો જ છે. મને લાગે છે કે PI સાહેબ પણ હુમલાખોરોને છાવરવાનું કામ કરી રહ્યા છે. આ હુમલામાં વસ્ત્રાપુરમાં પાસાનો વોન્ટેડ આરોપી પાર્થ દેસાઈ, સુનીલ દેસાઈ, મેહુલ દેસાઈ, જયેશ દેસાઈ, લાલો ભરવાડ અને મોન્ટુ ભરવાડ સામેલ હતા. આ સિવાય બીજા 10થી 15 અજાણ્યા લોકો પણ હતા. આ ઘુવડ ગેંગ તરીકે જાણીતી છે.'
આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI L L ચાવડાએ જણાવ્યું હતું કે, 'આ ઘટનાની તપાસ માટે સીસીટીવીના ડીવીઆર મેળવીને આરોપીઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ફરિયાદી તમામ હુમલાખોરોને ઓળખતા ન હોવાથી તેમણે માત્ર જેમના નામ ખબર હતા તેવા ચાર શખ્સો લાલો ભરવાડ, મોંટુ ભરવાડ, પરેશ દેસાઈ અને સુનીલ દેસાઈના નામ ફરિયાદમાં આપ્યા છે, જ્યારે બાકીનાને અજાણ્યા તરીકે દર્શાવ્યા છે. આરોપીઓ પર પાસા હેઠળ કાર્યવાહી થઈ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં, ગુનામાં વધુ કલમો ઉમેરવા બાબતે તેમણે સમજાવ્યું કે પોલીસ પોતે ઈજાની ગંભીરતા નક્કી કરી શકે નહીં, તેથી ડોક્ટરનું પ્રાઈમરી સર્ટિફિકેટ આવ્યા બાદ ઈજાના પ્રકાર મુજબ કાયદેસરની કલમોનો ઉમેરો કરવામાં આવશે.'








