Ahmedabad News: ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, નામદાર કોર્ટનો આદેશ હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનું મોટાપાયે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે, તેના પર ગાળિયો કસવા ચાઈનીઝ દોરી વેચનારા અને વાપરનારા પર તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે. ત્યારે સાણંદ પોલીસ હવે સફાળી જાગી છે, વાહનમાં છુપાયેલા પ્રતિબંધિત ચાઇનીઝ પતંગની દોરીના 65 રીલ જપ્ત કરી એક કિશોરની ધરપકડ કરી છે.
19 વર્ષના એક કિશોરની ધરપકડ
સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR (ફસ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) મુજબ, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જે આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સાણંદ પધારા સોસાયટી નજીક એક હ્યુન્ડાઇ કારને અટકાવામાં આવી હતી, જેના ચેકિંગ દરમિયાન છુપાવેલા પ્રતિબંધિત ચાઇનીઝ પતંગની દોરીના 65 રીલ મળી આવ્યા હતા. સ્થળ પર જ સાણંદના રહેવાસી 19 વર્ષના એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ માલ સાણંદ તાલુકાના મોડાસર ગામના રહેવાસી મિત્રસિંહ ચાવડા પાસેથી મંગાવવામાં આવ્યો હતો, જે ઘટનાસ્થળે હાજર નહોતો અને હાલમાં ફરાર છે.
5.36 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સામાનમાં મોનો સ્કાય બ્રાન્ડના 45 રીલ, જેની કિંમત રૂ. 22,500 છે અને વેલિન મોનો બ્રાન્ડના 20 રીલ, જેની કિંમત રૂ. 14,000 છે, કુલ રૂ. 36,500નો માલસામાન મળી આવ્યો હતો, જેની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી કારની પણ જપ્તી કરવામાં આવી હતી. જે મળી કુલ 5.36 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ સપ્લાયરને શોધવા અને પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી આવે છે તેની સપ્લાઈ ચેન પકડવા પોલીસે કવાયત તેજ કરી છે.
ગુજરાત હાઈકોર્ટે શું કર્યો છે આદેશ?
મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કડકમાં કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે. કોર્ટે તમામ જિલ્લા પોલીસ વડાઓને નિર્દેશ કર્યો છે કે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગેનો ડે-ટુ-ડે (રોજિંદો) રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
કાર્યવાહી સાથે પોલીસની અપીલ
જે અનુસંધાને હાલ ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ચાઈનીઝ દોરી અને ઉત્તરાયણમાં પ્રતિબંધ વસ્તુઓ પર લગામ કસવા મોટા પાયે ડ્રાઈવ તેમજ દરોડા કરી રહી છે. આ સાથે પોલીસ અપીલ પણ કરી રહી છે કે ચાઈનીઝ દોરી માણસ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જોખમી છે લોકો તેનું વેચાણ અને ખરીદી ટાળે.


