Ahmedabad News: અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે બોડકદેવ સ્થિત એનઆરઆઇ ટાવરમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહે તેની પત્નીને ભૂલથી ગોળી મારી દઈને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી હતી. હવે આ મામલે ફોરેન્સિક રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાઇસન્સ પ્રાપ્ત બંદૂક દ્વારા યશરાજ સિંહે જ તેની પત્નીને ગોળી મારી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ ઘટનાને હત્યા અને ત્યારબાદ આત્મહત્યાનો કેસ ગણાવ્યો છે.
બે મહિના પહેલા જ થયા હતા લગ્ન
આ ઘટના 21 જાન્યુઆરીના રોજ રાત્રે 10:30થી 22 જાન્યુઆરીના રોજ રાત્રે 12: 12વાગ્યાની વચ્ચે બોડકદેવના પારિજાત બંગલા પાસે NRI ટાવરના એક ફ્લેટમાં બની હતી. મૃતકોની ઓળખ રાજેશ્વરીબા ગોહિલ (30) અને તેમના પતિ યશરાજસિંહ ગોહિલ (35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, આ દંપતીના લગ્નને માંડ બે મહિના થયા હતા.
તપાસમાં શું ખુલાસા થયા?
પ્રાથમિક તપાસ બાદ ખુલાસો થયો છે કે યશરાજસિંહએ કથિત રીતે તેમના બેડરૂમમાં પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પત્નીના માથાના પાછળના ભાગમાં ગોળી મારી હતી. ગોળીબાર પછી 108 ઇમરજન્સી સર્વિસને ફોન કર્યો. જ્યારે એમ્બ્યુલન્સ સ્ટાફ પહોંચ્યો, ત્યારે રાજેશ્વરીબાને મૃત જાહેર કરવામાં આવી. થોડા સમય પછી, યશરાજસિંહે તે જ હથિયારથી માથામાં ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મૃત્યુ થયું.
ફોરેન્સિક તપાસ અને પોસ્ટ મોર્ટમ તેમજ ઘટનાની પ્રાથમિક તપાસ બાદ રમત રમતમાં રિવોલ્વરમાંથી ફાયર થવાની કોઈ શક્યતા દેખાઈ ન આવતા કોઈ અગ્મય કારણોસર પત્ની પર ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાનો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આકસ્મિક નહીં ઇરાદાપૂર્વક ગોળી ચાલી
અસારવાની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોની પેનલ દ્વારા બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં બંદૂકની ગોળીથી માથાના ભાગે થયેલો ઘા અને વધારે પડતો રક્તસ્ત્રાવ કારણે મોત થયું હોવાની પુષ્ટિ થઈ હતી. બંદૂકની ટેકનિકલ તપાસ ટીમે આકસ્મિક ગોળી ચાલી જાય તે વાતને નકારી કાઢી હતી. તેમજ નોંધ્યું હતું કે રિવોલ્વરના ટ્રિગરને ગોળી ચલાવવા માટે ઇરાદાપૂર્વક દબાણની જરૂર પડે છે. એવું પણ જાણવા મળ્યું હતું કે હથિયારમાં ફક્ત બે રાઉન્ડ હતા, જેમાંથી એક રાઉન્ડમાં રાજેશ્વરીબા તો બીજા રાઉન્ડમાં યશરાજસિંહનું મોત થયું છે.
પોલીસે તપાસ બાદ શું કહ્યું?
વરિષ્ઠ પોલીસ અધિકારીએએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક પુરાવા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બંદૂકની ટેકનિકલ તપાસના આધારે, એ સ્પષ્ટ છે કે પતિએ ઇરાદાપૂર્વક તેની પત્નીને ગોળી મારી હતી અને ત્યારબાદ આત્મહત્યા કરી હતી. વસ્ત્રાપુર પોલીસે મૃતક પતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ અને આર્મ ઍક્ટ 1959ની કલમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


