Get The App

કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું 1 - image


Kankaria Carnival: અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આગામી 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય 'કાંકરિયા કાર્નિવલ' પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે. AMC દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખીને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અંદાજે 5,000 કરોડથી વધુનું સુરક્ષા કવચ લેવામાં આવ્યું છે. આ વીમો આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેના માટે તંત્રએ 3 લાખ 91 હજારનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે. જોકે, વીમા કંપનીના નિયમોને લઈને હવે કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે, જેણે વિવાદને જન્મ આપ્યો છે.

ટિકિટ ઈસ્યુ થવાની જ નથી તો ક્યાંથી લાવવી?

આ વિવાદનું મુખ્ય કારણ વીમા કંપનીની શરત છે, જે મુજબ કોઈ પણ અકસ્માત કે ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે 'કાયદેસરની ટિકિટ' હોવી અનિવાર્ય છે. બીજી તરફ, AMC દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્નિવલમાં લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આમ, જ્યારે તંત્ર કોઈ ટિકિટ જ ઈસ્યુ કરતું નથી, ત્યારે પ્રશ્ન એ ઉઠ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓ વળતરનો દાવો કેવી રીતે કરી શકશે? આ ટેકનિકલ ખામીને કારણે લાખોના પ્રીમિયમ ખર્ચીને લીધેલો વીમો ખરેખર નાગરિકોને કામ લાગશે કે કેમ તે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શરત દૂર કરવા સૂચના આપવામાં આવી

વિવાદનું વંટોળ ઘેરાતા ઊંઘતા AMCને પણ લાગ્યું કે વીમાના નિયમોમાં લોચાલાપસી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી છે કે આ શરત દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે અને કંપની સાથે ચર્ચા કરવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું 2 - image

કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે? 5000 કરોડના વીમા કવચમાં AMCનું ભોપાળું 3 - image

25થી 31 ડિસેમ્બર દરમિયાન આયોજન

અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2025 આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતા સહેલાણીઓ માટે આ વર્ષે અનેક નવતર આકર્ષણો અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે ક્રાઉડ મેનેજમેન્ટ માટે સૌપ્રથમવાર અદ્યતન ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. નવીનતમ આકર્ષણો અને રંગારંગ કાર્યક્રમો સાથે વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ખાસ દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) મુખ્ય આકર્ષણ બની રહેશે. આ ઉપરાંત, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવે, બ્રિજદાન ગઢવી જેવા ખ્યાતનામ ગુજરાતી કલાકારોના મ્યુઝિકલ પરફોર્મન્સ પણ યોજાશે. સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી તમામ લોકોને ફ્રી એન્ટ્રી મળશે.

એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ

AMC દ્વારા ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જેમાં સ્ટેજ નં-1 પર પુષ્પકુંજ ગેટ પાસે, સ્ટેજ નં-2 બાલવાટિકા અને સ્ટેજ નં-3 વ્યાયામ વિદ્યાલય પાસે બનાવવામાં આવ્યો છે. ત્રણેય સ્ટેજ પર સાતેય દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે અન્ય રાજ્યોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૂડની મજા લોકો માણી શકશે. અન્ય રાજ્યોના જાણીતા ફૂડ માટેના સ્ટોલ પણ અલગ રાખવામાં આવ્યા છે. સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ ભીડને નિયંત્રિત કરવા અને કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાંકરિયાના સાતેય એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા દ્વારા કેટલા લોકોએ પ્રવેશ કર્યો અને કેટલા લોકો હાજર છે તેનું લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. જો ભીડ 80 હજારથી 1 લાખની આસપાસ પહોંચશે તો તાત્કાલિક ગેટ બંધ કરી દેવામાં આવશે. આ માટે 34 જેટલા CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.