Ahmedabad News: કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે થયેલી મારામારીનો એક નવો વીડિયો સામે આવતા સમગ્ર ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બબાલની શરૂઆત રિક્ષા ચાલકોએ કરી હોવાનું નવા વીડિયોમાં જણાઈ આવે છે. જેમાં એક RPF જવાનને ઘેરી લઈ તેનો કોલર પકડવામાં આવે છે, જે બાદ મામલો બીચકે છે.
નવા ફૂટેજમાં શું દેખાયું?
અગાઉ માત્ર જવાનો દ્વારા રિક્ષાચાલકોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો, પરંતુ હવે સામે આવેલા નવા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે વિવાદની શરૂઆત રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી. સ્ટેશન પર ફરજ બજાવતા એક RPF જવાને જ્યારે રિક્ષાચાલકોને ત્યાંથી હટી જવા સૂચના આપી, ત્યારે રિક્ષાચાલકોના ટોળાએ જવાનને ચારેતરફથી ઘેરી લીધો હતો.

સાથી જવાનને બચાવવા ઉગ્ર સંઘર્ષ
આ નવા વીડિયોમાં રિક્ષાચાલકોની ઉદ્ધતાઈ જોવા મળી રહી છે, જેમાં તેઓ એકલા જવાન સાથે ગાળાગાળી કરી રહ્યા હતા અને તેને ગંભીર ધમકીઓ આપી રહ્યા હતા. રિક્ષાચાલકોએ કાયદો હાથમાં લઈને જવાન સાથે જે રીતે વર્તન કર્યું, તેના કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. આ દરમિયાન પોતાના સાથી કર્મચારીને મુશ્કેલીમાં મુકાયેલો જોઈ અન્ય RPF જવાનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાથી જવાનને બચાવવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે RPF જવાનો અને રિક્ષાચાલકો વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો હતો.
કડક કાર્યવાહી કરવાની તૈયારી
રિક્ષાચાલકોની આ દાદાગીરી સામે આવતા હવે રેલવે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરવા, સરકારી કામમાં દખલગીરી કરવા અને અભદ્ર વર્તન કરવા બદલ રેલવે પોલીસે જવાબદાર રિક્ષાચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ વીડિયોના આધારે રિક્ષાચાલકોની ઓળખ કરી રહી છે અને કાયદેસરની તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરવાની દિશામાં આગળ વધી રહી છે.


