Gujarat

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

By GS TEAM
10 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં મોની હોટલની ગલીમાં વિકરાળ આગ લાગી છે. ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Ahmedabad News: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલ મોની હોટલ નજીક ગુરુકૃપા એસ્ટેટ નં. 05 ખાતે આવેલી કલર વેવ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં મંગળવારે બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બપોરે અંદાજે 15:07 કલાકે આગની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું.માહિતી મુજબ, કલર વેવ ઇન્ડસ્ટ્રીઝ નામની આ ફેક્ટરીમાં ડાઈઝ કેમિકલનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ફેક્ટરી છેલ્લા બે વર્ષથી કાર્યરત હતી. આગ લાગવાના કારણો અંગે પ્રાથમિક તબક્કે સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ સામગ્રીને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ફાયર બ્રિગેડ દ્વારા કુલ 13 વાહનો સાથે રેસ્ક્યુ અને ફાયર ફાઈટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં 20 કિલોલિટરના 7 વોટર બાઉઝર, 12 કિલોલિટરનો 1 વોટર બાઉઝર, 1 મિનિ ફાયર ફાઈટર તેમજ 4 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો)નો સમાવેશ થાય છે. આગ પર કાબૂ મેળવવા માટે 20KLના 7 અને 12KLના 1 વોટર બાઉઝર તથા 5KL ક્ષમતા ધરાવતા મિનિ ફાઇટરના ફેરા કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે 1,57,000 લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગે છ લાઈન બનાવી આગ બુઝાવી હતી. કુલ 45 જેટલા ફાયર સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

એક ફાયર કર્મચારી દાઝ્યો

આ ઘટનામાં રાજેશ (ઉંમર 25 વર્ષ) નામના એક કર્મચારી દાઝી ગયા હોવાની માહિતી મળી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. પ્રાથમિક વિગત મુજબ આગને કારણે આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો છે. ફેક્ટરીના માલિક તરીકે શશી કપૂર, દીપ કપૂર અને ધીર કપૂરનાં નામ સામે આવ્યા છે.

કયા કારણોસર ફેક્ટરીમાં લાગી આગ?

આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામ શરૂ કરતાં મોટું નુકસાન ટળી શક્યું હતું. ફાયર વિભાગે આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.