Gujarat

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો 'VIP' અંદાજ

By GS TEAM
5 Feb 20262 mins read
TukuTouch Logo
‘પીવો ફાર્મ હાઉસમાં અને જમો પોલીસ સ્ટેશનમાં’ – સાણંદ પોલીસે મોડી રાત્રે ગોરજ ગામની સીમમાં પાડેલા દરોડા બાદ આ વાક્ય સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા નબીરા માટે જાણે જેલના સળિયા નહીં, પણ પોલીસ સ્ટેશનનું સંકુલ પિકનિક સ્પોટ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો 'VIP' અંદાજ

Ahmedabad News: ‘પીવો ફાર્મ હાઉસમાં અને જમો પોલીસ સ્ટેશનમાં’ – સાણંદ પોલીસે મોડી રાત્રે ગોરજ ગામની સીમમાં પાડેલા દરોડા બાદ આ વાક્ય સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા નબીરા માટે જાણે જેલના સળિયા નહીં, પણ પોલીસ સ્ટેશનનું સંકુલ પિકનિક સ્પોટ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશનમાં નાસ્તાની લિજ્જત: કાયદાનો ડર ક્યાં?

સાણંદ પોલીસ 81 નબીરાને બસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવી, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. સામાન્ય રીતે આરોપીઓમાં પોલીસનો જે ખૌફ હોવો જોઈએ, તેના બદલે આ નબીરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં બિનધાસ્ત નાસ્તાના પડીકા લઈને ફરતા અને લિજ્જત માણતા જોવા મળ્યા હતા.


સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પોલીસની હાજરીમાં જ આ શખસો કોઈ પણ રોકટોક વગર નાસ્તો કરી રહ્યા છે. ચર્ચા તો એવી પણ છે કે આ માલેતુજારો માટે પોલીસ સ્ટેશનમાં જ તમામ 'સગવડ' મળી રહી હતી. આ ઘટનાએ નિષ્પક્ષ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા છે કે, શું પૈસાદાર આરોપીઓ માટે પોલીસ સ્ટેશનના નિયમો બદલાઈ જાય છે?

ઘટનાની વિગત: સાળાની પાર્ટીમાં જીજાજી ફસાયા

અમદાવાદના ઉદ્યોગપતિ આદર્શ અગ્રવાલ અને તેમની પત્નીની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે આ ભવ્ય આયોજન કરાયું હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેતા તેમના સાઢુ (સાળા) અમિત પચેરીવાલે કર્યું હતું. 'સફલ નિર્વાણા ગ્રીન્સ'ના પ્લોટ નંબર 200 પર ચાલી રહેલી આ મહેફિલમાં વિદેશી દારૂ અને હુક્કાની રેલમછેલ હતી.


પોલીસે કાર્યવાહી કરીને 81 લોકોની અટકાયત કરી 

સાણંદના ગોરજ ગામની સીમમાં આવેલી સફલ નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે જેમાં 43 પુરુષ અને 38 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે વાહનો, દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળીને અંદાજે ₹2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અફરાતફરી અને મેડિકલ ટેસ્ટ

પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે ફાર્મ હાઉસમાં ભાગદોડ મચી ગઈ હતી. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે મહિલાઓને અને સાડા પાંચ વાગ્યે પુરુષોને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને નોટિસ આપીને મુક્ત કરાઈ હતી, જ્યારે પુરુષો પોલીસ સ્ટેશનમાં જ હતા. આ દરમિયાન કેટલાક શખસો પોતાની કાર લઈને બહાર જતા હોવાનું પણ નજરે પડ્યું હતું, જે પોલીસની ઢીલી નીતિ તરફ આંગળી ચીંધે છે.

આ પણ વાંચો: મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ

જ્યારે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢતા ગભરાય છે, ત્યારે આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીના આરોપીઓ પોલીસ સ્ટેશનમાં જે રીતે બિન્દાસ જોવા મળ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ છે કે શું ખરેખર કાયદો બધા માટે સમાન છે?