અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચોરી અને લૂટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેવામાં ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી અલગ અલગ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ઘાટલોડિયા ચોરી કેસમાં LCB એ રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી ₹38.63 લાખના ઘરેણાં જપ્ત કર્યા છે જ્યારે અન્ય એક કેસમાં નારણપુરામાં મહિલાની ધરપકડ કરી 8.1 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે.
ઘાટલોડિયામાં રાજસ્થાનના ત્રણ યુવકોએ ચોરીને આપ્યો અંજામ
ઘાટલોડિયાના ન્યૂ નિકિતા પાર્ક સોસાયટીમાં આવેલા ઘર નંબર A/9 માં 22 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી દરમિયાન રાત્રે મકાનમાં ચોરી થઈ હતી. અજાણ્યા વ્યક્તિઓ છત પરથી વેન્ટિલેશન બારી ખોલીને બંગલામાં પ્રવેશ્યા હતા અને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ ઘાટલોડિયા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ પોલીસ ટીમે વિસ્તાર અને તેની આસપાસના 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી જેમાંથી એક સીસીટીવીમાં ત્રણ બાઈક(RJ-12-NS-1847) સવાર ચોરો કેદ થયા હતા. જે બાદ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી દિનેશ હલીયા મીણા (24)ની ધરપકડ કરવામાં આવી હતી.
ફરાર બે આરોપીને પકડવા કવાયત
ધરપકડ કરાયેલ આરોપી પાસેથી પોલીસે 37.39 લાખના સોનાના દાગીના, 84,255ના ચાંદીના દાગીના, 30,000ની કિંમતની મોટરસાઇકલ, 10,000નો મોબાઇલ ફોન કુલ મળીને 38.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર બે આરોપી, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી કમલેશ ગંગારામ કલાસુવા અને ઈશ્વર શંકર મીણા તરીકે પોલીસે બે અન્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે, તેમણે ઝડપી લેવા માટેની તજવીજ ચાલુ છે. આરોપીઓ અમદાવાદ કે આસપાસના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના અન્ય કેસોમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
40 વર્ષીય મહિલાએ સંબંધીના ઘરે કર્યો હાથફેરો
બીજી તરફ અન્ય એક કેસમાં નારણપુરા પોલીસે ફરિયાદ નોંધાયાના થોડા જ દિવસોમાં એક ઘરમાં ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે, જેમાં 40 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે, 8.1 લાખના ચોરાયેલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. નારણપુરામાં સંઘવી હાઇસ્કૂલની સામે શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલ ચંદ્રકાંતભાઇ શાહ (37)ના ઘરે ચોરી થઈ હતી. જેની ફરિયાદ 14 ફેબ્રુઆરીના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.

શું છે સમગ્ર કેસ?
ચોરી 8 ફેબ્રુઆરીની સાંજે થઈ હતી, જીનલ ચંદ્રકાંતભાઇ શાહના સંબંધી માનસી જીનેશભાઇ દોશી ઘરે આવ્યા હતા. ફરિયાદ મુજબ માનસી કપડાં બદલવાના બહાને તેની માતાના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી. તે સમયગાળા દરમિયાન ઘરમાં બીજું કોઈ આવ્યું ન હતું, અને કોઈ બળજબરીથી પ્રવેશ્યું હોય તેવું કોઈ પગેરું મળ્યું ન હતું.
12 ફેબ્રુઆરીના આ રોજ જ્યારે માતાએ કબાટ ખોલ્યું ત્યારે ખબર પડી કે ઘણા સોનાના દાગીના તેમાંથી ગાયબ થઈ ગયા છે. ચોરાયેલી વસ્તુઓમાં લગભગ ત્રણ તોલા વજનની બે સોનાની બંગડીઓ, એક સોનાનું મંગળસૂત્ર અને બે સોનાની વીંટીઓનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 8.1 લાખ થાય છે. ચોક્કસ માહિતી અને પૂછપરછના આધારે પોલીસે આરોપી માનસીની ધરપકડ કરી હતી. જેમાં તેને ગુનાની કબૂલાત કરતાં ચોરીનો ભેદ ઉકેલી ગયો હતો.








