આ કેવી સ્માર્ટ સિટી! બે હથોડા મારતા ગાયત્રી એપાર્ટમેન્ટની સીડીનું ધાબું ધડામ, અનેક પરિવારો ભયના ઓથાર હેઠળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: સ્માર્ટ સિટી અમદાવાદની આ સોસાયટીની હાલત તો જુઓ, એક તરફ વિશાળ બિલ્ડિંગો બંધાઈ રહી છે બીજી તરફ જર્જરિત થઈ ગયેલી અનેક સોસાયટીઓના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આજે અમદાવાદના હાર્દ સમાન ઘાટલોડિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ છે. નારણપુરામાં સોલારોડ પર આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના 9મા બ્લોકમાં સામાન્ય રિપેરિંગ માટે બે હથોડા મારતાં સીડી પરનું ધાબું ધડામ દઈને નીચે પડ્યું હતું.
ગાયત્રી એપાર્ટમેન્ટ જર્જરિત
સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ સવાલ એ છે કે અહીં અનેક પરિવારો આવા કાચા કોટડા જેવા મકાનમાં વસવાટ કરી રહ્યા છે. જ્યાં ગમે તે ક્ષણે કુદરતી કે માનવસર્જિત આફત મોટી દુર્ઘટના નોતરી શકે પણ ન તો સોસાયટીના જવાબદાર સભ્યોના પેટનું પાણી હલી રહ્યું છે, ન તો ગુજરાત હાઉસિંગ બોર્ડનું! વિચાર તો કરો માત્ર બે હથોડામાં ધાબું ધ્વસ્ત થઈ ગયું ભૂકંપ કે અન્ય આફત આવી પડે તો શું હાલત થાય!
રીડેવલપમેન્ટની વાત ક્યાં અટકી પડી
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના સભ્યો અનેક વખત રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે. કારણ કે ઘરની છતના સળિયા બહાર આવી ગયા છે ગમે ત્યારે પોપડા ખરી રહ્યા છે. ગમે તે સમયે ગમે તે ઘટના બની શકે છે, અનેક રહીશો રીડેવલપમેન્ટ માટે તૈયાર પણ થઈ ગયા છે. પરંતુ સ્થાનિકોના દાવા મુજબ ગાયત્રી એપાર્ટમેન્ટના બની બેઠેલા ચેરમેન અને સેક્રેટરીની ટીમે વિરોધ કરી રીડેવલપમેન્ટ અટકાવી દીધું છે.
ઘોડા છૂટ્યા પછી તબેલે તાળાં જેવી સ્થિતિનું થશે નિર્માણ?
ત્યારે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે, આજે બનેલી ઘટનાથી નક્કી છે કે ગાયત્રી એપાર્ટમેન્ટ હવે રહેવા લાયક નથી ત્યારે ઝડપથી ચેરમેન અને સેક્રેટરીની ટીમ એપાર્ટમેન્ટના રહીશોને સાથે રાખી યોગ્ય નિર્ણય કરે તેવી માંગ ઊઠી છે. બીજી તરફ સ્થાનિકોને તાત્કાલિક ધોરણે ધારાધોરણ મુજબ અન્ય જગ્યાએ શિફ્ટ કરી રીડેવલપમેન્ટ ઝડપથી થાય તેવી આશા છે. નહીંતર ઘોડા છૂટ્યા પછી તબેલે તાળાં મારવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.








